થોડા દિવસો પહેલા યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી. માચી ખાતે આવેલા રેન બસેરા આશ્રય કુટિરની છત થોડા દિવસો પહેલા ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું. ત્યારે ફરી એક વખત પાવાગઢ ખાતે દુર્ઘટના સર્જાઈ છે. રેન બસેરાનો અન્ય એક ભાગ ટૂટી પડ્યો છે. ચાર જેટલા કામદારો પથ્થર નીચે દબાયા છે. એક કામદારને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે ત્રણ જેટલા કામદારોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોડી સાંજે મઢૂલીને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે સમય દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી.
થોડા દિવસો પહેલા પણ સર્જાઈ હતી દુર્ઘટના!
પાવાગઢની મુલાકાતે આવતા યાત્રાળુઓ માટે માચી ખાતે રેનબસેરાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાળુઓને આશ્રય મળી રહે તે હેતુથી આ રેન બસેરા બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી માહોલ હોવાને કારણે કુટિરમાં દસ જેટલા યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અને તે દરમિયાન કુટિરની છત અચાનક તૂટી પડી હતી.
વિશ્રામ કુટિરનો વધુ એક ભાગ ધરાશાયી થતાં મચી ભાગદોડ!
કુટિરના ઢાંચામાંથી અચાનક વજનદાર પથ્થરો પડવા લાગ્યા. જેને કારણે આશ્રય લઈ રહેલા યાત્રાળુઓ પથ્થર નીચે દબાઈ ગયા. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ગુરૂવારે ફરી એક વખત દુર્ઘટના સર્જાઈ છે. કુટિરના ભાગને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ચાર જેટલા કામદારો દટાયા હતા. પથ્થર નીચે દબાયા હોવાને કારણે કામદારોને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર, ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચાચર ચોકમાં ભાગદોડ મચી હતી.
કાટમાળ તૂટી પડતાં કામદારો પથ્થર નીચે દટાયા!
મહત્વનું છે કે છત તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેને પગલે વિશ્રામ કુટિરમાં કોઈ યાત્રાળુઓને બેસવાની પરવાનગી આપવામાં આવી નથી રહી. યાત્રિકો કુટિરનો ઉપયોગ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યાત્રિકો ઈજાગ્રસ્ત નથી થયા પરંતુ કાટમાળ નીચે પડતાં ચાર જેટલા કામદારો દટાયા હતા. એક કામદારને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ વખતે મોટી જાનહાની ટળી છે. પરંતુ ફરી એક વખત આવી દુર્ઘટના સર્જાતા વિશ્રામ ગૃહના નિર્માણમાં વપરાયેલા સામાનની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હતો!
ગઈ વખતે જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે વરસાદ હતો. પરંતુ ગઈ કાલે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ના તો કોઈ વરસાદ છે કે ન વાવાઝોડું તેમ છતાં પણ હલકી ગુણવત્તા ધરાવતી કામગીરીને પગલે બે રેન બસેરા તૂટી પડવાની ઘટનાને લઈને અનેક સવાલો પેદા થવા પામ્યા છે, અને આ બે ભાગ કામગીરી દરમ્યાન તૂટ્યા હોવાનું જાહેર કરી ઇજારદારે પોતાની હલકી કક્ષાની કામગીરી ઉપર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરતા રાત્રે ઉભેલા એક ભાગને ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ એ ભાગ પણ તૂટી પડ્યો અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે,