જ્યારથી ટામેટા ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારથી ટામેટાને લઈ અનેક સમાચારો સામે આવી રહ્યા છે. કોઈ વખત ટામેટા ચોરી થઈ જવાની ઘટના તો કોઈ વખત ટામેટાને કારણે પતિ પત્ની વચ્ચે થતાં ઝઘડાના સમાચાર સામે આવી રહ્યા છે. ટામેટા લોકો સુધી પહોંચે તે માટે ચપ્પલ વેચતા એક વેપારીએ જબરની ઓફર કાઢી છે. દુકાન દ્વારા રાખવામાં આવેલી ઓફર મુજબ જો તમે એક જોડી ચપ્પલ ખરીદશો તો તમને બે કિલો ટામેટા મફતમાં મળશે.
પંજાબના એક વેપારી લાવ્યા ગજબ ઓફર
શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તે પણ ટામેટા 200 રુપિયે કિલો અનેક જગ્યાઓ પર વેચાઈ રહ્યા છે. ટામેટાના વધતા ભાવને લઈ સોશિયલ મીડિયા પર અનેક મિમ્સ બની રહ્યા છે. ટામેટા ચોરાઈ ગયા હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકોના શાકમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. ત્યારે એક સમાચાર સામે આવ્યા છે જેમાં ચપ્પલ વેચતા વેપારી લોકો ટામેટા ખરીદી શકે તે માટે ઓફર લાવ્યા છે.પંજાબના ગુરદાસપૂરમાં એક વેપારી આ ઓફર લઈને આવ્યા છે.
ચપ્પલની ખરીદી પર મળશે બે કિલો ટામેટા ફ્રી!
ઓફર કંઈ આ પ્રમાણે છે કે એક જોડા ચપ્પલ ખરીદો અને બે કિલો ટામેટા મફત મેળવો. હજારથી દોઢ હજારના ચપ્પલની ખરીદી કરવા પર બે કિલો ટામેટા આપવામાં આવશે. વેપારીએ આ અંગે વાત કરતા કહ્યું કે જ્યાં સુધી ટામેટાના ભાવમાં વધારો છે ત્યાં સુધી આ ઓફર ચાલું રહેશે. ખેર આ ઓફરને કેવો રિસ્પોન્સ મળે છે તે વસ્તુ અલગ છે પરંતુ ટામેટાને કારણે આવા અજીબો ગરીબ કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા ેછે.
ટામેટાને કારણે દંપત્તિ વચ્ચે થઈ હતી તકરાર
મહત્વનું છે કે જ્યારથી ટામેટાના ભાવમાં વધારો થયો છે ત્યારથી આવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે દંપત્તિ વચ્ચે ટામેટાએ ઝઘડો કરાવી દીધો હતો. ઢાબા પર પતિએ બે ટામેટા વધારે વાપરી નાખ્યા જેને લઈ પત્ની ગુસ્સે થઈ ગઈ. પત્ની ઘર છોડીને જતી રહી હતી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ટામેટાએ જ પત્ની પતિ વચ્ચે મિલન કરાવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં જ પતિએ પત્નીને ટામેટાની ગિફ્ટ આપી હતી અને તેની પરવાનગી વગર રસોઈ ન બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે આ મામલો શાંત પડ્યો હતો. મહત્વનું છે કે એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતો રડી રહ્યા હતા પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ટામેટા સામાન્ય વર્ગના પરિવારને રડાવી રહ્યા છે.