વિનાશક વાવાઝોડા બિપોરજોય બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જો કે આ સ્થિતીમાં પણ કેટલાક લગ્નોત્સુક યુગલોના ઉત્સાહ અડીખમ રહ્યો છે. જેમ કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોરના પોડા ગામના વરરાજા વરસતા વરસાદ વચ્ચે કન્યા સાથે પોતાના લગ્નની વિધિ માટે લગ્નના ફેરા ફરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વરસાદનું વિઘ્ન પણ ડગાવી શક્યું નહીં
હાલ લગ્નસરાની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે લગ્નની તારીખ નક્કી થઈ ગયા પછી ખાનપુર તાલુકાના બકોરના પોડા ગામનો વરરાજા જાન લઈને પરણવા કન્યાના ઘરે પહોંચ્યો હતો. હવે લગ્નના શરૂ થાય તે પહેલા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જો કે વર અને કન્યાએ મક્કમ મનોબળ સાથે મુશળધાર વરસાદ વચ્ચે પણ લગ્નના સાત ફેરા પુરા કર્યા હતા. ભારે પવન સાથે વરસતા વરસાદમાં મંડપ ઉડી ના જાય તે માટે અન્ય મહેમાનોએ મંડપને પકડી પણ રાખ્યો હતો જે આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે. લગ્નના માંડવામાં વરસતા વરસાદ વચ્ચે બન્ને ઉત્સાહભેર સાત ફેરા પુરા કરી પોતાના લગ્નની વિધિ પૂર્ણ કરે છે નવયુગલનો આ વાયરલ વીડિયો જોઈને મ્હોમાં આંગળાં નાંખી જાય છે.