લગભગ એક મહિનાથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવે લોકોના હોશ ઉડાવી દીધા છે. રસોડામાં મુખ્ય ભાગ હોવાને કારણે, ટામેટાની ઊંચી માંગને કારણે તેની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ટામેટાંના વધતા ભાવથી પરેશાન લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકાર બજાર કિંમત કરતા સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોના સ્થાનિક બજારોમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે. પરંતુ, તમિલનાડુ સરકાર 20 રૂપિયા સસ્તી કિંમત પર ટામેટાં વેચી રહી છે.
તમિલનાડુમાં 82 દુકાનો પર રૂ. 60 પ્રતિ કિલોના ભાવે વેચાણ
ટામેટાંની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે રાશનની દુકાનો પર ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારની આ નવી સિસ્ટમ હેઠળ 82 રાશનની દુકાનો પર ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. તમિલનાડુ સરકારે કહ્યું છે કે જો જરૂર પડશે તો અન્ય રાશનની દુકાનો પર પણ ટામેટાંનું વેચાણ શરૂ થશે. દરેક પરિવારને દરરોજ 1 કિલો ટામેટાં આપવામાં આવશે.
શા માટે અછત સર્જાઈ?
દેશના કેટલાક ભાગોમાં અલ નીનોના પગલે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. ત્યાં જ ગત વર્ષોમાં ટામેટાના બજારમાં યોગ્ય ભાવો નહીં મળવાથી ખેડૂતોને પણનુકસાન ઉઠાવવું પડ્યું છે. આ જ કારણે ટામેટાના પાકનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. આ તમામ કારણોથી ટામેટાનો પુરવઠો ખોરવાયો છે, જેથી ટામેટાના ભાવ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.