આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી તમને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે. ગ્રાહક વિભાગે NCCF અને NAFEDને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા કહ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) તથા નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન (NAFED)ને આદેશ કર્યો છે કે 20મી ઓગસ્ટથી છૂટક ગ્રાહકો (Retail Consumers) માટે ટામેટા (Tomato)નું કીલો દીઠ રૂપિયા 40 ભાવથી વેચાણ કરવામાં આવે.
આ શહેરોમાં થાય છે વેચાણ
ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયા બાદ ગ્રાહક બાબતો (Department of Consumer Affairs)ના વિભાગ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NCCF અને NAFED દિલ્હી-NCR, રાજસ્થાનમાં જયપુર અને કોટા, ઉત્તર પ્રદશમાં લખનઉ, કાનપુર, વારાણસી તથા બિહારમાં પટના, મુઝફ્ફરપુર, અરાહ અને બક્સરમાં ટામેટાનું વેચાણ કરી રહ્યા છે.
ટામેટાના ભાવ ઘટી રહ્યા છે
NCCF તથા NAFED દ્વારા પ્રાપ્ત (Procure) કરવામાં આવેલા ટામેટાનું કિલો દીઠ રૂપિયા 90 શરૂઆતી કિંમતથી વેચાણ કરવામાં આવતુ હતું. જથ્થાબંધ ભાવ (Wholesale Price)માં ઘટાડો થતા હવે આ ભાવ ઘટાડવામાં આવ્યા છે. છૂટક કિંમત (Retail Price) 15મી ઓગસ્ટના રોજ ઘટાડીને કિલો દીઠ રૂપિયા 50 કરવામાં આવી છે.
NCCF અને NAFEDએ ટામેટાની કરી ખરીદી
ગ્રાહક બાબતોના વિભાગ તરફથી મળેલા આદેશને પગલે NCCF અને NAFEDએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 14મી જુલાઈના રોજ દિલ્હી-NCRમાં ટામેટાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. NCCF તથા NAFEDએ અત્યાર સુધીમાં આશરે 15 લાખ કિલો ટામેટાની ખરીદી કરી છે, જેનું સતત છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે.