લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવ્યું છે. ચૂંટણીને અનુલક્ષીને આજે બેઠક થવાની છે જેમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી શકે છે ઉપરાંત સંસદમાં સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોને લઈને પણ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. આ બેઠક યોજાય તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી કોને બનાવવી તેવી ચર્ચાઓ થઈ શકે છે.
હલ્લાબોલને પગલે સાંસદોને કરાયા સસ્પેન્ડ!
સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષા ચૂક થઈ હતી જેને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે અનેક વખત હોબાળો થયો છે જેને કારણે અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. સત્ર દરમિયાન 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરક્ષા ચૂક મામલે હલ્લાબોલ કરતા સાંસદો વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા છે. એક તરફ સંસદમાંથી વિરોધ પક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીજી તરફ આજે ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ દિલ્હી ખાતે મળવાની છે.
શિયાળા સત્રનો ઈન્ડિયા ગઠબંધનના સાંસદો કરી શકે છે બહિષ્કાર!
દિલ્હી ખાતે મળનારી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ શકે છે. ન્યુઝ એએનઆઈ પ્રમાણે આ બેઠકમાં ઈન્ડિયા એલાયન્સમાં સામેલ પાર્ટીઓ બાકી રહેલા શિયાળા સત્રનો બહિષ્કાર પણ કરી શકે છે. આ અંગેનો નિર્ણય આજે લેવામાં આવી શકે છે. આ બેઠકમાં સીટો ફાળવણી અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ બેઠક થોડા દિવસો પહેલા યોજાવાની હતી પરંતુ તેને કેન્સલ રાખવામાં આવી. રદ્દ કરવામાં આવેલી બેઠક 19 ડિસેમ્બરે યોજાશે તેવી જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે મળનારી બેઠકમાં શું રણનીતિ ઘડવામાં આવે છે અને કેવા નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે.