આપણા ધર્મમાં અનેક તિથીઓનું વિશેષ મહત્વ હોય છે. અનેક તિથીઓ અનેક દેવી દેવતાઓને સમર્પિત હોય છે. માતાજીની પૂજા કરવા માટે આઠમની તિથી શ્રેષ્ઠ માનવામાં આવે અને તેમાં પણ જો આઠમ નવરાત્રીની હોય તો તેનું મહત્વ વધારે વધી જાય છે.. ત્યારે આજે ચૈત્ર નવરાત્રીની આઠમ છે. નવરાત્રીનું આજે આઠમુ નોરતું છે અને આઠમા નોરતે નવ દુર્ગાના આઠમા સ્વરૂપ એવા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે... માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે.
આઠમા નોરતે થાય છે માતા મહાગૌરીની પૂજા
નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ રહેલું છે. આઠમા નોરતે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશુળ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં અભય મુદ્રા ધારણ કરી છે ચોથા હાથથી માતાજી ભક્તો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. માતા સુખ તેમજ સમૃદ્ધિ વધારનારા છે.
શ્વેત વર્ણ હોવાને કારણે મહાગૌરી નામથી ઓળખાયા હોવાની માન્યતા
માન્યતા અનુસાર ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે માતાજીએ કઠોર તપ કર્યું જેને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો. તપસ્યાથી ભગવાન શંકર જ્યારે પ્રસન્ન થયા અને માતાજીનો સ્વીકાર કર્યો તે સમયે માતા પાર્વતી પર અભિષેક કરવામાં આવ્યો હતો જે બાદ માતા પાર્વતીજીને કાંતિમય સ્વરૂપની પ્રાપ્તિ થઈ.. માતાજીનું વર્ણ શ્વેત હોવાને કારણે તેઓ મહાગૌરી નામે ઓળખાયા... શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તે ભક્ત પર માતાજીની અસીમ કૃપા રહે છે...
કયા મંત્રથી કરવી જોઈએ આરાધના?
દરેક દેવી દેવતાને સમર્પિત અનેક મંત્રો હોય છે. એ મંત્રોના ઉચ્ચારણથી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન ચંડીપાઠ શક્ય હોય તો કરવો જોઈએ, અને તેમાં પણ આઠમના દિવસે ચંડીપાઠ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.. માતા મહાગૌરીના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી માતાજીનો જપ કરવો જોઈએ -
श्वेत वृषे समारूढा श्वेतामबरधरा शुचि|
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा||
આ નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ
આ મંત્રના અર્થની વાત કરીએ તો માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. નવરાત્રીના અલગ અલગ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા નોરતે માતાજી સમક્ષ શ્રીફળ અર્પણ કરવું જોઈએ...
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)