ભારત સહિત સમગ્ર દુનિયામાં 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદી ભાષાને વિશ્વ ભાષાની શ્રેણીમાં સ્થાન મળી ગયું છે. વિદેશના અનેક લોકો પણ હિંદી બોલી શક્તા હોય છે. ભારતમાંથી અનેક લોકો વિદેશમાં જઈ વસી રહ્યા છે. ત્યારે વિશ્વભરમાં રહેતા ભારતીયોને એકજૂથ કરવા વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને મનાવા પાછળનો હેતુ એ છે કે ભારતની સાથે સાથે બીજા દેશોમાં રહેતા ભારતીયો પણ એકબીજાના સંપર્કમાં આવે.
વિશ્વની ભાષામાં હિંદી ભાષાનો સમાવેશ
ભાષાને એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ માનવામાં આવે છે. ભાષાનો ઉપયોગ કરી લોકો પોતાની વાત સામે વાળા વ્યક્તિને પહોંચાડે છે. ભાષાના માધ્યમથી ન માત્ર દેશના લોકો સાથે સંપર્ક થાય છે પરંતુ દુનિયાના દેશો સાથે વાતચીતનું માધ્યમ માનવામાં આવે છે. હિંદી ભારતની રાષ્ટ્રભાષા છે પરંતુ હવે હિંદી વૈશ્વિક સ્તર પર પ્રસરી રહી છે.
ડો.મનમોહન સિંહે કરી હતી શરૂઆત
10 જાન્યુઆરી 2006થી આ દિવસને વિશ્વ હિંદી દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે 10 જાન્યુઆરી વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વમાં હિંદીના પ્રચાર માટે પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહે 10 જાન્યુઆરીએ વિશ્વ હિંદી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં ભારતીય દુતાવાસો પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વમાં રહેતા ભારતીયોને સાથે લાવવા પ્રયાસ
વૈશ્વિક સ્તરે હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાની ભાષા પ્રત્યે લગાવ હોય છે. પ્રથમ વિશ્વ હિંદી પરિષદ 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી. દર વર્ષે વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવા ભારત સરકાર દ્વારા વિવિધ થીમ જાહેર કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ હિંદીને લોક અભિપ્રાયનો હિસ્સો બનાવવો, તેનો અર્થ માતૃભાષાને છોડી દેવાનો નથી તે રાખવામાં આવ્યો હતો.