અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ચર્ચામાં કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જે ન્યુઝની હેડલાઈન્સ બની ગયા હતા. મણિપુરમાં ભડકી ઉઠેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે, ત્યારે સંસદમાં આ મુદ્દાને લઈ હોબાળો અનેક વખત થયો છે. અને સંસદની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દાને લઈ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગઈકાલે આ મુદ્દે ચર્ચાનો પ્રથમ દિવસ હતો અને કોંગ્રેસ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી આ મુદ્દે પહેલા બોલવાના હતા પરંતુ તેમની બદલીમાં ગૌરવ ગોગોઈએ ચર્ચાની શરૂઆત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આજે બાર વાગ્યે સંસદમાં આ મુદ્દે રાહુલ ગાંધી બોલી શકે છે.
આવતી કાલે સંસદમાં પીએમ મોદી આપી શકે છે જવાબ
મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી બળી રહ્યું છે. વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ગઠબંધનના સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી. તે પહેલા રાહુલ ગાંધીએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હજી સુધી કેમ મણિપુરની મુલાકાત લેવામાં નથી આવી તેવો પ્રશ્ન ગૌરવ ગોગોઈ દ્વારા પૂછવામાં આવ્યો હતો. તે સિવાય મણિપુર વિશે બોલવામાં શા માટે પીએમ મોદીએ આટલો સમય લીધો તે અંગે પણ તેમણે પ્રશ્ન કર્યો હતો. ત્રીજો પ્રશ્ન તેમણે એ પૂછ્યો હતો કે મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું કેમ નથી લેવામાં આવ્યું. મહત્વનું છે કે અનેક વખત મણિપુરની ચર્ચાઓ જ્યારે સંસદમાં શરૂ થઈ હતી ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે પીએમ મોદી સંસદમાં આ મામલે જવાબ આપશે. ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી અને તેમને સાંસદ પદ પણ પાછું મળ્યું. ત્યારે આજે પ્રથમ વખત સાંસદ પદ મળ્યા બાદ તેઓ સંસદમાં બોલવાના છે. ત્યારે સંસદમાં રાહુલ ગાંધી શું બોલે છે તેની પર સૌ કોઈની નજર છે.