ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાને કારણે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સુરતની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.
મજૂરા બેઠક માટે હર્ષ સંઘવીએ ભર્યું ઉમેદવારી ફોર્મ
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. દરેક જગ્યા પર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જઈ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરતની મજૂરા બેઠક ખાતેથી હર્ષ સંઘવી ચૂંટણી લડવાના છે. ભાજપના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી.
કુમાર કાનાણીએ પણ નોંધાવી દાવેદારી
હર્ષ સંઘવી ઉપરાંત કામરેજ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રફૂલ પાનસેરિયા રેલી યોજી પોતાના સમર્થકોની સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત વરાછા બેઠક પર કુમાર કાનાણીએ પોતાની દાવેદારી નોંધાવી છે. કાનાણી ઘોડે સવારી કરી પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના કરંજ બેઠકના ઉમેદવાર ભારતી પટેલે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.