હિંદુ શાસ્ત્રો પ્રમાણે મનુષ્યને 3 ઋણ ચૂકવવાના હોય છે. એક છે દેવ ઋણ, બીજુ છે પિતૃ ઋણ અને ત્રીજુ છે ઋષિ ઋણ. પોતાના પિતૃઓને યાદ કરવાનો શ્રેષ્ઠ સમય છે પિતૃપક્ષ. શ્રાદ્ધના દિવસોમાં જીવાત્મા પિતૃલોક છોડી ધરતીલોક પર આવીને તૃપ્તિની ઝંખના કરે છે. શ્રાદ્ધ દરમિયાન પરિવારના સભ્યો પોતાના વડીલોને યાદ કરી તેમની પાછળ તર્પણ તેમજ પિંડદાન કરે છે. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. સર્વ પિતૃ અમાસ સુધી એટલે કે 16 દિવસ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય છે. તે દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા તર્પણ કરવામાં આવે છે.
તર્પણ તેમજ પિંડદાન કરવાથી પિતૃઓ થાય છે પ્રસન્ન
પિતૃઓને પ્રસન્ન કરવાનો પર્વ 25 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. સર્વ પિતૃ અમાસ રવિવારે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે. જો પિતૃ પક્ષમાં કોઈનું શ્રાદ્ધ ન કર્યું હોય અથવા તો તિથિની જાણ ન હોય તે લોકો સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી પિતૃઓને પ્રસન્ન કરી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના આશીર્વાદ મેળવવા તર્પણ તેમજ પિંડદાન કરવામાં આવે છે. પાણીમાં કાળા તલ, દૂધ, ફૂલ, કુશનું મિશ્રણ કરીને પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તર્પણ કરતી વખતે કુશનો ઉપયોગ કરવાથી પિતૃઓને જલ્દી તુપ્તિ મળે છે.
પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મળે છે પિતૃઓના આશીર્વાદ
સર્વ પિતૃ અમાવસને પિતૃ વિસર્જનની અમાવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધમાં કરેલું દાન પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે. જો કોઈ પણ કારણસર શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ નથી કરી શક્યા તો સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને યાદ કરી દાન આપવું જોઈએ. બ્રાહ્મણને ભોજન તેમજ તેમને દક્ષિણા આપવાથી પિતૃઓ પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે. ઉપરાંત શ્રાદ્ધમાં બનાવેલું ભોજન ગાય તેમજ કાગડા માટે કાઢવામાં આવે છે. શ્રાદ્ધમાં ખીરનું વિશેષ મહત્વ રહેલું છે. ખીર પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શુભાશિષ આપે છે. જો પિતૃઓના આશીર્વાદ પરિવાર પર રહે છે અને તેઓ રાજી થાય તો ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ હમેશાં માટે રહે છે.
શા માટે શ્રાદ્ધમાં હોય છે ખીર અને કાગડાનું મહત્વ
શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આપણો સંદેશ પિતૃઓ સુધી કાગડો પહોંચાડે છે. કાગડો સંદેશવાહકનું કામ કરે છે. કાગડાને ખીર તેમજ દૂધપાક ખવડાવવાંથી પિતૃઓ તૃપ્ત થાય છે. ભાદરવા મહિનામાં શરદી અને તાવના દર્દીઓની સંખ્યા વધતી હોય છે. આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ આ સમય દરમિયાન વધી જતું હોય છે. તે માટે ભાદરવામાં તેમજ આસો મહિનામાં પિત્ત શાંત થાય તેવો આહાર લેવામાં આવે છે. શરદપૂનમના દિવસે આ કારણોસર જ દૂધપૌંઆ ખાવવાની પરંપરા આપણે ત્યાં હજી પણ ચાલી રહી છે.