12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી. એક એવું વ્યક્તિત્વ જેમણે નાની ઉંમરે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. સ્વામી વિવેદાનંદના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ભુવનેશ્વરીદેવીએ તેમને પ્રારંભિક શિક્ષણ આપ્યું અને રામાયણ, મહાભારત જેવા ગ્રંથોથી અને બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષાથી તેમને અવગત કરાયા. સાત વર્ષની નાની ઉંમરે મુગ્ધબોધ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું.
નરેન્દ્રમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ
નરેન્દ્રનાથને નાની ઉંમરથી આધ્યાત્મિક કાર્યોમાં રસ હતો. તેઓ જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને તેઓ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. રામકૃષ્ણ પરંમહંસે દુનિયાથી વિદાય લીધી તે બાદ સ્વામી વિવેકાનંદ દેશભરમાં ભ્રમણ કરવા લાગ્યા. તેઓ પહેલા ઉત્તરભારતના તીર્થોમાં ફર્યા અને તે બાદ હિમાલયમાં પરિભ્રમણ કર્યું. તે બાદ કન્યાકુમારી પહોંચ્યા.સ્વામી વિવેકાનંદના જીવન માંથી શીખવા જેવી વાતો-
આત્મવિશ્વાસ તેમજ ધ્યેય રાખવા પર ધ્યાન કરતા હતા કેન્દ્રીત
સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરો. કાર્ય કરવામાં ઉપરાંત પોતાના પર આત્મવિશ્વાસ રાખવા પર તેઓ ખૂબ માનતા હતા. તેઓ કહેતા હતા કે આત્મવિશ્વાસથી માણસ અસાધારણ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્વાસ ઉપરાંત ધ્યેય નિર્ધારિત હોય તો જીવન સાર્થક ગણાય. જો લક્ષ્ય નિર્ધારિત ન હોય તો માણસના જીવનનો અર્થ રહેતો નથી. તેઓ કહેતા હતા કે જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગમતી, હસતીબોલતી લાશ છે.
તેમનું ભાષણ આજે પણ લોકોના દિલમાં
વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધી કરવા વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદ શિકાગો પહોંચ્યા હતા. ત્યાં આપેલા વ્યક્તવ્ય આજે પણ લોકોને સ્મરણ છે. સભામાં ટૂંકુ વ્યાખ્યાન આપ્યું હતું જેમાં તેમણે શરૂઆત જ બહેનો અને ભાઈઓ થી કરી હતી. ભારત અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને ગર્વ છે કે હું એક એવા દેશનું પ્રતિનિધિ કરું છું જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.