19 ઓક્ટોબર સામાન્ય માણસ માટે સામાન્ય દિવસ હશે પરંતુ જે લોકો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હશે તે લોકો માટે આ દિવસ એક તહેવાર જેવો હશે. કારણ કે આજે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો આજે જન્મદિવસ છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેને સ્વાધ્યાય પરિવારના પ્રણેતા માનવામાં આવે છે. દાદાજીના જન્મદિવસને મનુષ્ય ગૌરવદિવસ તરીકે મનાવવામાં આવે છે. પોતાના જીવનકાળમાં દાદાજીએ અનેક કાર્યો કર્યા છે. સેવાકીય પ્રવૃત્તિ થકી માનવતા ફેલાતી રહે તે તેમના જીવનનો સંદેશો હતો.
દાદાજી કહેતા હતા કે આપણે એક જ પ્રભુના સંતાન છીએ
લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના જાગે તે માટે પાંડુરંગ શાસ્ત્રીએ બહુ સરળ રીતે સમજાવ્યું કે આપણે બધા એક જ પ્રભુના સંતાન છીએ. તેવું માનતા હતા કે જે પ્રભુએ આપણું સર્જન કર્યું છે તે જ ભગવાને સમસ્ત માનવજાતનું સર્જન કર્યું છે. તે જ ભગવાને અસ્પૃશ્યોનું,ખારવા, કોળી, માછીમાર વગેરે માનવજાતનું સર્જન કર્યું છે. આપણે બધા ભાઈઓ છીએ.
સરળ શબ્દોમાં ધર્મના મર્મને દાદાજી સમજાવતા હતા
ગીતાનો સંદેશ બહુ સરળ ભાષામાં તેમણે સામાન્ય માણસો સુધી પહોંચાડ્યો છે. તેઓ કહેતા હતા કે ભગવાને પોતે ગીતામાં કહ્યું છે કે 'હું પ્રત્યેકના દિલમાં વસ્યો છું' ભગવાન જેના દિલમાં વસે છે તેને જાતિને આધારે નિમ્ન ગણવો એ સ્વયં ભગવાનનું અપમાન કરવા જેવું છે. પૂજ્ય દાદા એનક વખત પોતાના પ્રવચનમાં કહેતા હતા કે માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપત્તિ છે તેના પરથી નથી થતી પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે. ધર્મ ગ્રંથોમાં રહેલા જ્ઞાનને બહુ સરળ શબ્દોમાં તેમણે સામાન્ય માણસો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પાંડુરંગ શાસ્ત્રીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વૃદ્ધોને પોતાની સાથે સાંકડી લીધા છે.
દાદાજીએ અનેક મંદિરોની સ્થાપના કરાવી!
દાદાજીના જીવન વિશે વાત કરીએ તો તેમનો જન્મ 19 ઓક્ટોબર 1920ના રોજ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના રોહા ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વૈજનાથ આઠવલે હતું અને તેમની માતાનું નામ પાર્વતી આઠવલે હતું. તેમને શાસ્ત્રી તરીકે પણ લોકો બોલાવતા હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ગામોગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી હતી. ન માત્ર મંદિરનું નિર્માણ તેઓ કરે છે પરંતુ તે મંદિરના નિર્માણમાં દેરક લોકોને સાંકળે છે. દરેકને મંદિર પોતાનું લાગે તેવી રીતે લોકોને પોતાની સાથે રાખે છે. પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર, કૃષિ, વૃક્ષમંદિર, શ્રીદર્શનમ, હીરા મંદિર, ગોરસ સહિતના સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.
ધર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે કર્યા અનેક પ્રવૃત્તિ
માછીમારોના જીવનમાં બદલાવ લાવવા માટે તેમણે અનેક સફળ પ્રયત્નો કર્યા. માછીમારોની દુનિયામાં તેમણે જબરદસ્ત પરિવર્તન કર્યું. લોકોને વ્યસન મુક્ત કર્યા, કર્મથી મોટું કંઈ નથી તેવી વાતો તે કરતા હતા. દાદાજી કહેતા હતા કે આજની પ્રચલિત ભક્તિ શાસ્ત્રોક્ત નથી, કારણ કે પરમાત્મા જે સાધ્ય છે તેને લોકોએ પોતાની ભૌનિક આવશ્યક્તાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિ થઈ તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે. ધર્મ પ્રત્યે બાળકોમાં જાગૃત્તિ આવે તે માટે બાળકોને લગતા અનેક કાર્યક્રમોનો આરંભ તેમણે કરાવ્યો હતો.
અનેક કેન્દ્રોની દાદાજીએ કરી શરૂઆત
સ્વાધ્યાય પરિવારની વાત કરીએ તો પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ હતી અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે. સ્વાધ્યાય પરિવાર આજે વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા વિવિધ અષ્ટામૃત કેન્દ્રો ચલાવવામાં આવે છે જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર, યુવા સંસ્કાર કેન્દ્રો વગેરે વગેરે... બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો ,મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ , વિડિઓ કેન્દ્રો ,યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે.સ્વાધ્યાય પરિવાર નો આધાર શ્રીમદ ભગવદગીતા છે.જેના ઉપર સમગ્ર કાર્ય ઊભેલું છે.
સ્વાધ્યાય પરિવારની કરી સ્થાપના
સ્વાધ્યાય પરિવારમાં પૈસાને સ્થાન નથી, તેમાં કોઈ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા નથી કે દાન લેવામાં આવતું નથી.તેમાં વિવિધ પ્રયોગો થકી આ સંદેશ માનવ સુધી પહોંચે તેવો પ્રયાસ કર્યો છે. હીરા મંદિર, યોગેશ્વર કૃષિ , મત્સ્યગંધા, જરી મંદિર, ગુપ્ત દાન થકી મળેલી મહાલક્ષ્મીને વિવિધ કેન્દ્રો તથા કાર્યક્રમોના ખર્ચમાં વાપરવામાં આવે છે.તેમજ વધેલી લક્ષ્મીને સામાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે.