ભગવાન ગણપતિને વિધ્નહર્તા દેવ માનવામાં આવે છે. ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઘર-પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિનું વ્રત કરવું જોઈએ. મંગળવારે ચોથ આવવાને કારણે આ ચોથને અંગારકિ ચોથ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચોથનું વ્રત કરવાથી અનેક ચોથ કર્યાનું પૂણ્ય મળે છે.
હિંદુ ધર્મમાં ચોથને વિશેષ માનવામાં આવે છે. આ તિથી ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા મળી રહે છે. વર્ષમાં 24 ચોથ આવે છે. એક સુદ પક્ષ અને એક વદ પક્ષમાં ચોથ આવે છે. આજે જે ચોથ છે તે પોષ મહિના આવી છે જેથી તેને તલ ચોથ પણ કહેવામાં આવે છે. ચોથ મંગળવારે હોવાને કારણે આને અંગારકિ ચોથ કહેવાય છે.
પ્રાચીન માન્યતા અનુસાર જે લોકો ચોથનું વ્રત કરે છે તે લોકો પર ગણપિતના આશીર્વાદ રહે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે તેના જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે.
ચોથના દિવસે ચંદ્રદર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદ્રોદય સમયે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન ગણપતિની કૃપા મળી રહે છે. શક્ય હોય તો ચોથના દિવસે ષોડષોપચાર પૂજા કરવી જોઈએ. જો શક્ય ન હોય તો પંચોપચાર પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ નૈવેદ્ય, સોપારી, લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ભગવાનને લાડુનો નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાનને દુર્વા પ્રિય હોવાથી જો દુર્વા અર્પણ કરવામાં આવે તો પણ ભગવાનની વિશેષ કૃપા મળે છે.