મોદી સરનેમને લઈ કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક નિવદેન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી. ત્યારે આ ચૂકાદાને સુરતની સેશન્સ કોર્ટમાં નિર્ણય પર સ્ટે લાવવાની અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. જેને લઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી આજે થવાની છે.
હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે સુનાવણી!
ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ દ્વારા અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં આવી હતી. જો આવી અપીલ કરવામાં આવે છે તેનો મતલબ થાય છે કે મામલે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસએ નોટ બિફોર મી અટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો.
શું રાહુલ ગાંધીને મળશે રાહત?
મહત્વનું છે કે જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' કહ્યું હતું. દેશની કોર્ટમાં સુનાવણી જલદી થાય તે માટે કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા જુદા કેસની સુનાવણી જુદા જુદા જજો કરતા હોય છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા 'નોટ બિફોર મી' કહેવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે કે આ કેસની સુનાવણી તેઓ નહીં કરે. ત્યારે આ મામલે જસ્ટિસ ગીતા ગોપીએ પણ નોટ બિફોર મી કહી દીધું છે જેને લઈ હવે રાહુલ ગાંધી તરફથી સ્ટે માંગતી અરજીની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે. જોવાનું એ રહ્યું કે શું રાહુલ ગાંધીને રાહત મળે છે કે પછી સજા યથાવત રહેશે?