થોડા સમય બાદ લોકસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે રાજકારણ ગરમાતું હોય છે. નિવેદનો આપવામાં આવતા હોય છે. પરંતુ અનેક વખત એવું પણ જોવા મળતું હોય છે કે ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. બીજી પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ત્યારે આજે ભાજપમાં ફરીથી ભરતી મેળો થવાનો છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે. 3 ફ્રેબુઆરીના રાજ ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે.
આજે બે પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં!
ભારતીય જનતા પાર્ટીમાં આજે ભરતી મેળો યોજાવાનો છે તેવી માહિતી સામે આવી છે. ચૂંટણી પહેલા અનેક કાર્યકરો તેમજ નેતાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. અલગ અલગ જગ્યાઓના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે અને આજે આપના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે.
રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ આપી હતી પ્રતિક્રિયા
ગઈકાલે રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રેશ્મા પટેલે ભૂપત ભાયાણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે જ્યારે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે ત્યારે તે (રેશ્મા પટેલ) ભૂપત ભાયાણીને વિશ્વાસઘાત બદલ જૂત્તુ મારવા ત્યાં જશે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ દ્વારા રેશ્મા પટેલની અટકાયત કરી લેવામાં આવી છે.
આ તારીખે ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું
મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરના રોજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે.