રાજ્યમાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પણ ખેડૂતોની કઠણાઈ એ છે કે તેમને સમયસર નર્મદા કેનાલનું પાણી મળતું નથી. ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે પણ તંત્ર વાત કાને ધરતું નથી. રાધનપુર તાલુકામાં પણ આ જ સમસ્યા છે ખેડૂતોએ તેમના શિયાળું પાકને બચાવવા માટે નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે તેમની માગ તંત્રએ ગણકારી નહોંતી અંતે ખેડૂતોએ નર્મદા વિભાગની ઓફીસે જઈ અર્ધનગ્ન હાલતમાં ધરણા કરવા પડ્યા હતા. ખેડૂતોએ તેમના ખેતરમાં વાવેતર કરેલ એરંડા, રાયડાનો પાક પાણી ન મળતા સૂકાતો હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
જગતનો તાત બન્યો અર્ધનગ્ન
રાધનપુર પંથકનાં ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘા બિયારણ લાવી ખેતરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. પાકને સમયસર પાણી મળી રહે તે માટે અનેકવાર કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરી હતી. જે બાદ પણ કેનાલમાં પાણી ન છોડવામાં આવતા આજે ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરા તેમજ મોટીપીંપળી ગામનાં ખેડૂતોએ નર્મદા વિભાગની ઓફીસે જઈ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા માંગ કરી હોવા છતા પાણી ન છોડાતા આજે ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવ કરી નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા 4 દિવસમાં કેનાલમાં પાણી છોડવાની હૈયાધારણા આપી હતી. જો કે તેમ છતાં ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી કે જો આગામી ચાર દિવસમાં કેનાલમાં પાણી શરૂ નહી થાય તો છઠ્ઠા દિવસે અન્ય ગામનાં ખેડૂતો સાથે લાવીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.