શાળા... આ એક શબ્દ એવો છે જેના વિચારમાત્રથી આપણા ચહેરા પર સ્માઈલ આવી જતી હોય છે. શાળા શબ્દ સાંભળતા જ આપણે એ વર્ષોમાં જતા રહીએ છીએ જ્યારે આપણને આપણું જીવન ખૂબ સહેલું લાગતું હતું. જીવનમાં કોઈ સંઘર્ષ ન હતો, પોતાને સાબિત કરવાની કોઈ દોડભાગ ન હતી. બાળકના જીવન ઘડતરમાં શાળામાં અપાતું શિક્ષણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જે પાયો શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના મનમાં નાખવામાં આવે છે તે તેને આજીવન યાદ રહી જાય છે. જ્યારે આપણે આપણી શાળામાં, એ ક્લાસમાં વર્ષો પછી જતા હોઈએ છીએ ત્યારે એ આખું ચિત્ર આપણી આંખો સામે આવી જતું હોય છે. મનમાં વિચારવા લાગીએ છીએ કે આ બેન્ચ પર બેસી કેટલી મસ્તી કરી હતી, મિત્રો સાથે રહેલી યાદો તરોતાજા થઈ જાય છે.
જો શાળામાં ભણવા માટે ઓરડા જ ન હોય તો!
આપણામાંથી અનેકને લાગતું હશે કે આમાં શું? આપણી પાસે ભણવા માટે ક્લાસરૂમ હતા, બેન્ચ હતી. પરંતુ આજે વાત એવા વિદ્યાર્થીઓની કરવી છે જેઓ શાળાએ ભણવા તો જાય છે પરંતુ તે ક્લાસમાં નહીં પરંતુ ઝાડ નીચે ભણવા મજબૂર છે. તમે મનમાં વિચારતા હશો ગતિશિલ, વિકસીત ગુજરાતની, અગ્રેસર ગુજરાતની વાતો કરવામાં આવે છે, ગુજરાતના દાખલા વિશ્વભરમાં દેખાડવામાં આવે છે તે રાજ્યની આવી પરિસ્થિતિતો ના જ હોય. પરંતુ વાસ્તવિક્તા આપણે સૌ જાણીએ છીએ. રાજ્યમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તેની વાતો , વાસ્તવિક તસવીરો અનેક વખત બતાવાઈ છે, ત્યારે આજે પણ આવી જ શાળા વિશે વાત કરવી છે. વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે તેવી તસવીરો જોઈને પહેલા નવાઈ લાગી પરંતુ પછી થયું કે આવી તો અનેક શાળાઓ છે જેમની પાસે વિદ્યાર્થીઓ છે,પરંતુ શાળાના ઓરડા નથી.
ગામડાની શાળાઓ ખોલે સર્વશિક્ષા અભિયાનની પોલ!
આ તસવીરો છે બનાસકાંઠા જિલ્લાના ભાખરી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાની. વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પ્રગતિ કરે તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તો પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહી હોય તેવું લાગે છે. સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાના લોકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર પ્રયત્ન શીલ છે તેવું સરકારનું કહેવું છે પરંતુ તે માત્ર કાગળ પર હોય તેવું લાગે છે. જે સ્થિતિ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે તેનાથી વિપરીત પરિસ્થિતિ ગામડાઓની શાળામાં જોવા મળતી હોય છે.
ઝાડ નીચે તૈયાર થતું દેશનું ભવિષ્ય!
થોડા વર્ષો પહેલા આવેલા વરસાદને કારણે શાળાની બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ હતી. બાળકો તો શાળામાં આવી રહ્યા છે પરંતુ બિલ્ડીંગ જર્જરિત હોવાને કારણે બાળકો ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે. જર્જરિત હાલતમાં હોવાને કારણે ત્યાં બાળકો બેસી શકતા નથી. શિક્ષકોએ ભણાવવાનું ચાલું તો રાખ્યું પરંતુ ક્લાસરૂમમાં નહીં પરંતુ ઝાડ નીચે. કડકડતી ઠંડી હોય કે કાળઝાળ વરસતી ગરમી હોય કે પછી ધોધમાર વરસતો વરસાદ હોય તેવી વિષમ પરિસ્થિતિમાં બાળકો પોતાના ભવિષ્યનું ઘડતર કરવા મજબૂર બન્યા છે.
ગામડાના વિદ્યાર્થીઓને પણ સારા શિક્ષણનો અધિકાર
દેશના ભાવિના ભવિષ્યા સાથે ચેડા ના થાય તે માટે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય, સાંસદને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તેમની રજૂઆત અનેક યોજનાની જેમ કાગળ પૂરતી સિમીત રહી ગઈ છે. ગ્રામજનો સરકારને એક જ માગ કરી રહ્યા છે કે સરકાર ભાખરી પ્રાથમિક શાળામાં નવા ક્લાસરૂમ બનાવવામાં આવે,જેથી બાળકો ઝાડ નીચે બેસી નહીં પરંતુ ક્લાસમાં બેસી અભ્યાસ કરે. ગામડાઓમાં આવેલી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ સારા શિક્ષણનો અધિકાર છે, સારી સુવિધાઓ મેળવવાનો અધિકાર છે.
શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ
શિક્ષકોની કામગીરીને બિરદાવવી જોઈએ. વિદ્યાર્થીના ભવિષ્ય પર કોઈ અસર ન પડે તે માટે ઝાડ નીચે પણ શિક્ષકો ભણાવી રહ્યા છે. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે. શિક્ષકોની ઘટ છે. 400 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે પરંતુ તેમણે ભણાવવા માટે માત્ર 13 શિક્ષકો જ ઉપલબ્ધ છે.અને માત્ર ત્રણ ઓરડા જ છે. જેને લઈ 10 નવા ક્લાસરૂમ બનાવવાની જરૂરત છે. જો ક્લાસરૂમ બની જાય તો ઝાડ નીચે બેસીને વિદ્યાર્થીઓને ભણવું ન પડે. શિક્ષકોની ઘટ છે તેવા મુદ્દાઓ અનેક વખત ઉઠાવવામાં આવ્યા છે ત્યારે આ શાળામાં ક્લાસરૂમની તો ઘટ છે જ પરંતુ શિક્ષકોની પણ ઘટ છે. શિક્ષકોની ભરતી ન કરાતા વિદ્યાર્થીઓના ભણતર પર ખૂબ અસર પડે છે.
શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ બતાવવાની અમારી જવાબદારી
આપણે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરતા હોઈએ છીએ. દરેક બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા જેવા સ્લોગન જ્યારે આપણે સાંભળીએ ત્યારે સારૂ લાગે. આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. નાના નાના ભૂલકાઓ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગમાં પણ અનેક એવા કાર્યો થયા છે પ્રશંસનિય છે. અનેક લોકોને લાગતું હોય છે કે માત્ર નેગેટિવ વાતો કરવામાં આવે છે, પરંતુ ના વાત એ નથી. સરકાર સુધી રાજ્યમાં શિક્ષણની શું વાસ્તવિક પરિસ્થિતિ છે તે પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સારી વસ્તુ તો સરકારને દેખાશે, તે વાતનું ગૌરવ પણ લેશે, ગૌરવ લેવા જેવો પણ છે. કામ કર્યું છે તો ગૌરવ લો પરંતુ જ્યાં કામ નથી થઈ જે જગ્યાઓ વિકાસ માટે ઝંખે છે તે માટે કોણ વિચારશે? એ જગ્યાઓનું કોણ વિચારશે જે જગ્યાઓ વિશે સરકારે નથી વિચાર્યું? જો તમે સારૂ કામ કર્યા હોવાનો ગૌરવ લેતા હોય છે તો એ જગ્યાઓ વિશે પણ સરકારે જ વાત કરવી પડશે જે ગામો આજે પણ વિકાસ માટે ઝંખે છે.
બાળકોનો અવાજ સરકાર સુધી પહોચે તેવી આશા
જેમણે અમને રજૂઆત કરી છે તેમણે લખ્યું છે કે શાળાના બાળકોની વાત સરકાર સુધી પહોંચાડો એવી આપની પાસેથી અપેક્ષા છે. જેમ ગઈકાલે શિક્ષણમંત્રીએ લુણાવાડા પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમ રાજ્યમાં ખાસ કરી ગામડામાં એવી અનેક શાળાઓ છે જેની મુલાકાત તેમણે લેવી જોઈએ. ગ્રાઉન્ડ પર જ્યારે મંત્રીઓ ઉતરે છે ત્યારે જ ખરી વાસ્તવિક્તા શું છે, સત્ય શું છે તેની ખબર પડે છે. ત્યારે સરકાર સુધી આ બાળકોનો અવાજ પહોંચે તેવી આશા.