મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટ્વિટ કર્યું હતું. અનેક ડોક્યુમેન્ટ તેમજ લખાણ પણ વાયરલ થયા હતા. વડાપ્રધાન મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. જેને લઈ ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આવી પોસ્ટ કરવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે રાજસ્તાન એરપોર્ટથી ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી છે.
મોરબી દુર્ઘટના અંગે ટીએમસી પ્રવક્તાએ કરી હતી ટ્વિટ
દિવાળીના દિવસો દરમિયાન મચ્છુ નદી પર બનેલા ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક પોસ્ટ કરવામાં આવી રહી હતી. ત્યારે ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રિપોર્ટનો હવાલો બતાવી તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના સ્વાગત, ફોટોગ્રાફી તેમજ કાર્યક્રમનું આયોજનકરવા પાછળ 5.5 કરોડનો ખર્ચ થયો છે. કટાક્ષ કરતા તેમણે લખ્યું હતું કે ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર પાછળ વપરાતા રૂપિયા 135 મૃતકોને મળતી કુલ રકમ સહાય કરતા વધારે છે.
ટ્વિટ કરી આપી જાણકારી
આવી પોસ્ટ મૂકાતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. અને ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે પોસ્ટ મૂકનાર ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની રાજસ્તાનથી ધરપકડ કરી હતી. ઓ બ્રાયને ટ્વિટ કરી માહિતી આપી હતી કે ટીએમસીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે.