મમતા બેનર્જી સરકારના નેતાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. નંદીગ્રામ ખાતે આયોજીત સભામાં સંબોધન કરતી વખતે અખિલ ગીરીએ રાષ્ટ્રપતિને લઈ શરમજનક ટિપ્પણી કરી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. અખિલ ગીરીએ પોતાના આ નિવેદનને લઈ માફી પણ માગી લીધી છે.
રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો હું માફી માગું છું - અખિલ ગિરી
પોતાની વાત રજૂ કરતા અખિલ ગીરીએ કહ્યું કે મેં રાષ્ટ્રપતિ કહ્યું હતું, કોઈનું નામ લીધું ન હતું. જો મારા નિવેદનથી ભારતના રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો તે માટે હું માફી માગું છું. પોતાના સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અને રાષ્ટ્રપતિ પદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે.
નિવેદન બાદ થયો હતો વિરોધ
આ ટિપ્પણીનો ભારે વિરોધ થયો હતો. ટીએમસી નેતાના આ નિવેદન બાદ મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ વાત પર ભાજપે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી સમુદાયથી છે અને મમતા સરકાર આદિવાસી વિરોધી છે.