લાભ પાંચમને આપણે ત્યાં શુભ દિવસ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત આપણે આ દિવસથી કરતા હોઈએ છીએ. ત્યારે રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે. મગફળી, મગ, અડદની દાળની ખરીદીનો પ્રારંભ આજથી થઈ ગયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજકોટ ખાતેથી આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે.
ટેકાના ભાવે ખરીદીની થઈ શરૂઆત
આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થતા ખેડૂતો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આજથી 90 દિવસ માટે ગુજરાતના 50 કેન્દ્રો પર ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકારે મગફળીના મણનો ભાવ 1170 જાહેર કર્યો છે, જ્યારં મગનો મણનો ભાવ 1551 સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અડદનો મણનો ભાવ 1320 જ્યારે સોયાબીનનો મણનો ભાવ 860 રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટેકેના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. સરકારે 1170 રૂપિયાના ટેકાના ભાવથી પ્રત્યેક 20 કિલો દીઠ મગફળીની ખરીદી કરી છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ - રાઘવજી પટેલ
કૃષિમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્યમાં આજે લાભ પાંચમના શુભ દિવસથી નક્કી કર્યા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના 11 સહિત રાજ્યના 160 કેન્દ્ર પરથી ગુજકોમાસોલ મારફતે મગફળી ખરીદી 1170 રૂપિયા પ્રતિ 20 કિલોના ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે.