થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જે નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં પૂર્વપ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તેમજ પી.વી નરસિંમ્હા રાવનો સમાવેશ થાય છે. ત્રીજા મહાનુભાવ જેમને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તે છે વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાય બીજા ચાર મહાનુભાવોને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે.
ચૌધરી ચરણસિંહને કરાશે ભારત રત્નથી સન્માનિત
પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને કિસાનોના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતના પાંચમાં વડાપ્રધાન હતા. તેમણે પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી સંભાળ્યો હતો. તે જનતા પાર્ટીના સદસ્ય હતા અને તે ઉપરાંત તેમની ગણતરી દેશના મોટા કિસાન નેતા તરીકે કરવામાં આવતી હતી.
નરસિંહા રાવને કરાશે ભારત રત્નથી સન્માનિત
ચૌધરી ચરણસિંહ ઉપરાંત ભારતના પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નરસિંહા રાવ દેશના 10માં વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળના દરમિયાન ભારતમાં ઘણા આર્થિક સુધારા થયા હતા. 21 જૂન 1991થી 16 મે 1996 સુધી પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ તેમણે સંભાળ્યો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઈન્ડસ્ટ્રિયલ પોલીસી લાગુ કરી હતી જેને કારણે ભારતના બજાર દુનિયા ભર માટે ખુલ્લા મૂકાયા... તે સિવાય વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથન દેશના મોટા કૃષિવૈજ્ઞાનિક હતા.