ભારતના અનેક સ્થાપત્યો છે જેમને હેરિટેઝ સાઈટનો દરજ્જો મળ્યો છે. ત્યારે કર્ણાટકમાં આવેલા ભારતના ભવ્ય સ્થાપત્ય વારસાનું ઉદાહરણ એવા હોયસાલાના 3 મંદિરોને યુનેસ્કોમાં વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન મળ્યું છે- એટલે આ મંદિરો હવે ફક્ત ભારતની નહિ પણ દુનિયા આખાની ધરોહર બની ચુકી છે. આ પહેલા શાંતિનીકેતનને પણ વૈશ્વિક ધરોહરની યાદીમાં જોડવામાં આવ્યું હતું, પણ આજે વાત કરીયે આપણા વારસાના એક ભવ્ય અને સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન કલાકૃતિ એવા હોયસલા મંદિરો વિષે કેમ અન્ય મંદિરો કરતા અલગ છે? શું છે તે મંદિરોની વિશેષતા જેને કારણે તે અલગ તરી આવે છે... .
યુવાને સિંહની સાથે કરી લડાઈ
સાલ નામનો એક જુવાનિયો 10મી સદીના તે સમયના કર્ણાટકના જંગલોમાં પોતાના ગુરુ સાથે મુસાફરી કરી રહ્યો હતો, રાની પશુથી ભરેલા જંગલમાં સિંહે હુમલો કર્યો અને આ સાલને ગુરુએ આદેશ આપ્યો કે માર આ સિંહને- જોશમાં યુવાન સિંહની સામે થયો અને સિંહનો તેણે વધ કર્યો. તે લડાઇ દરમિયાન ગુરુ તેને જોશ ચઢાવતા કન્નડમાં બોલતા ''હોય- સાલ..'' જેનો મતલબ થતો હતો કે સાલ હુમલો કર. સમય જતા આ જુવાન રાજા બન્યો જેનો સમય હોયસલા તરીકે જાણીતો થયો - જેની ગાથા ત્યાં બનાવાયેલા દરેક મંદિરમાં સિંહ સાથે લડતી મૂર્તિના રૂપે જોવા મળે છે.
હવે વાત કરીએ આ મંદિરોની વિશેષતાઓની...
જે 3 મંદિરોને વિશ્વસ્તરે નામના મળી છે તે ત્રણેય કર્ણાટકમાં આવેલા છે, ચેન્નકેશવા મંદિર- બેલુર, હોયનશાલેશ્વર-હેલિબિડ, સોમનાથપુરાના કેશવ મંદિર, પણ હોયસલા સમયમાં લગભગ દોઢ હજારથી વધારે આવા ઉત્કૃષ્ટ મંદિરો બનાવાયા હતા, પણ જેમ અન્ય સ્થાપત્ય સાથે થયું તેમ તેને તોડી પડયા હતાં, આમાના મોટા ભાગના મંદિરોને બનાવડાવાની શરૂઆત કરી હતી હોયસલાના પરાક્રમી રાજા વિષ્ણુવર્ધનના સમયમાં જેને તેનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે.
આ મંદિરોને બનતા 100 વર્ષથી પણ વધુનો સમય થયો હતો- તો શું ખાસ છે આ મંદીરમાં- ચેન્નકેશવ મંદિર વિષ્ણુને માટે જ બનાવડાવામાં આવ્યું છે, જેમાં એટલી બારીક કોતરણી થઇ છે કે પથ્થરો પરની કોતરણીને નરી આંખે જોઈ પણ નહિ શકો, અમુક પથ્થરની મૂર્તિઓની કોતરણી એ રીતે કરાઈ છે કે પ્રકાશ પણ આરપાર જઈ શકે છે, 11મીથી 12મી સદીમાં બનેલા મંદિરમાં રામાયણ- મહાભારતના પૌરાણિક પાત્રો,સમુદ્ર મંથનનું દ્રશ્ય, વિષ્ણુના વરાહ અવતારનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં મંદિરની દિવાલો પર શિવ ઉપરાંત વિષ્ણુ, બ્રહ્મા, દેવી લક્ષ્મી, સરસ્વતી, કૃષ્ણ, ગણેશ, અર્જુન અને મહિષાસુરની તાદ્રશ્ય કોતરણી કરવામાં આવી છે. અહીં ભીષ્મ પિતામહને પણ તેમની મૃત્યુશૈયા પર બતાવવામાં આવ્યા છે.
ચેન્નકેશવ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. હોયસાલા વંશના રાજા વિષ્ણુવર્ધને આ મંદિરનું નિર્માણ 1104-17 વચ્ચે કરાવ્યું હતું. તે કર્ણાટકના બૈલુરમાં છે. કેશવ મંદિર કર્ણાટકના મૈસુરમાં આવેલું છે. તે 1268માં હોયસલા વંશના રાજા નરસિમ્હા ત્રીજાના મંત્રી સોમદનનાયક દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ હોયસાલા સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. આ શૈલી ન તો નાગર હતી નહિ દ્રવિડ. એટલે તેના કલાકૃતિને જોયા બાદ પણ પોતાને કોઈ આર્કિટેક્ટ તરીકે ઓળખાવતું હોય તો તે વિચારમાં પડી જ જશે.
11મી સદીમાં બનેલા સ્થાપત્યોને મળ્યું વૈશ્વિક ધરોહરમાં સ્થાન
મંદિરમાં આવેલા કલાત્મક વિશાળ સ્તંભની કોતરણી જોઈ લોકો અચંબામાં પડી જાય છે, 11મી સદીમાં બનેલા આ મંદિરમાં કઈ રીતે કોઈ આધુનિક મશીનો વગર આ બન્યા હશે તેનો જવાબ મેળવવો જ મુશ્કેલ છે. અને એટલે જ 45મી UNSCO બેઠક જે રિયાધમાં મળી હતી તેમાં ભારતની આ ધરોહરને વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો- આ સાથે તે દેશનું 42મું સ્થાપત્ય બની ગયું છે.