ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ યોજાવાની હોય ત્યારે મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ઘણી વાર એવા પણ દર્શકો હોય છે જેમને મેચમાં વધારે ખબર ન પડતી હોય પરંતુ ભારત અને પાકિસ્તાનની મેચ છે તે માટે તેઓ જોવા આવતા હોય છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. મેચને લઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી ભરેલો ઈ-મેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આરોપીને પકડી પણ લેવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની આપી હતી ધમકી
આવતી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ છે તેના પહેલા સમાચાર આવ્યા કે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો છે. મામલો અતિ ગંભીર હોવાના કારણે પોલીસે તપાસ કરી અને આરોપીને પકડી લીધો. તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આરોપી તો માનસીક રીતે બીમાર છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ધમકી મળતા જ અમદાવાદ પોલીસે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે મામલો ગંભીર હતો. આથી ગુજરાત પોલીસ સહિત કેન્દ્રની એજન્સીની પણ વોચ બેસાડી દેવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને મળી ચોંકાવનારી માહિતી
ધમકી કોણે આપી તે મામલે પોલીસે તપાસ આરંભી. અને અંતે ગુજરાત પોલીસે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. રાજકોટથી કરણ માળી નામના વ્યક્તિને ગુજરાત પોલીસે ઉઠાવી લીધો હતો. કરણ માળીએ જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કરણ માળીને ઉઠાવ્યો અને પૂછપરછ કરી તો મહત્વની વિગતો સામે આવી છે. કરણ માળી મૂળ મધ્યપ્રદેશનો છે અને પોતે વીડિયો બ્લોગિંગ કરે છે. હાલ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પણ પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી છે જે તમને ચોંકાવી દે તેવી છે.
હતાશા દૂર કરવા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી!
ધમકી આપનાર કરણ માળી માનસીક રીતે બીમાર હતો એવી માહિતી હાલ મળી રહી છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કરણ માળીની પ્રેમિકા તેના મિત્ર સાથે ભાગી ગઈ હતી એટલે તે માનસીક રીતે તણાવમાં હતો. હતાશા દૂર કરવા તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવા ફોન કર્યો હતો. મહત્વનું છે કે આવા ધમકી ભર્યા ફોન અનેક વખત પોલીસને અથવા તો સુરક્ષાબળોન મળતા હોય છે.