રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે, ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્ય હવામાન વિભાગે 8, 9 જાન્યુઆરીએ આગાહી કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવે ભરશિયાળે વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. જો કે આજે સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આ વિસ્તોરમાં થશે માવઠું
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી પાંચ દિવસનું હવામાન જણાવ્યુ હતું. જેમા તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણ ડ્રાય રહેશે. જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. આ બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાનો છે. રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે. જ્યારે ત્રીજા એટલે કે આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, નવમી તારીખે ચોથા દિવસે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં હળવું ઝાપટું
માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાંપટા શરૂ થયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ માવઠું શરૂ થયુ છે. કેવડિયા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માગસર મહિનામાં વરસાદી ઝાપટું થયુ છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે આગામી ઠંડીનું પ્રમાણ વધશે. માવઠુ થતાં જ ખેડૂતોમાં ચિંતા પેઠી છે, માવઠાની અસરથી કેટલાય પાકોને મોટુ નુકસાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે.