વકફ સંશોધન ખરડો 2024ને લઈને ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં આ ખરડાને લઈને હવે JPC એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીમાં ક્યા સાંસદો હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ કમિટીમાં રાજ્યસભાના પણ સદસ્યો હશે . સરકારે ગઈકાલે જ લોકસભામાં આ ખરડાને JPCને મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ગઈકાલે આને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે આ ખરડાને લઈ જાહેરાત કરી..
કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજ્જુ દ્વારા લોકસભામાં વકફ સંશોધન ખરડો ગઈકાલે રજૂ કરવામાં આવ્યો. ત્યારે વિપક્ષના સાંસદોએ ગૃહમાં આ ખરડા પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. જોકે આ પછી કેન્દ્ર સરકારે લોકસભામાં આ ખરડાને જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીને મોકલવાની જાહેરાત કરી હતી. તો હવે આ JPCના નિર્માણ માટે 31 સદસ્યોની નિમણુંક કરી દેવામાં આવી છે . જેમાં 21 સાંસદો લોકસભાના હશે જ્યારે 10 સાંસદો રાજ્યસભાના હશે . આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની સામે આ વક્ફ ખરડાના બધા જ સુધારા રાખવામાં આવશે તેની પર ચર્ચા થશે , વિચાર થશે . આ JPCમાં બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહેશે.
કોણ કોણ છે JPCના સદસ્યો?
વાત કરીએ JPCના સદસ્યોની તો બીજેપી તરફથી તેમાં જગદંબિકા પાલ , તેજસ્વી સૂર્યા , નિશિકાંત દુબે , અભિજીત ગંગોપાધ્યાય , સંજય જયસ્વાલ, ડી.કે.અરુણા હશે . આ ઉપરાંત વિપક્ષ તરફથી ઇમરાન મસૂદ , ગૌરવ ગોગોઈ , મોહમ્મદ જાવેદ , કલ્યાણ બેનર્જી , એ રાજા વગેરે સાંસદો આ JPCમાં વક્ફ સંશોધન ખરડાની તપાસ કરશે. આ બધામાં 1 ચેરમેન પણ હશે . આ JPC પાસે 4 મહિનાનો સમય હશે , ઉપરાંત તમામ સ્ટેક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. પોઇન્ટ બાય પોઇન્ટ ચર્ચા થશે. પછી જે સૂચન આવશે તેની એક યાદી બનાવવામાં આવશે તેની યાદી પરથી એક રિપોર્ટ બનાવવામાં આવશે . આ રિપોર્ટ બંને ગૃહોમાં જમા કરાવવામાં આવશે. એક વસ્તુ ચોક્કસ છે કે , ગઠબંધન યુગમાં પૂર્ણ બહુમત સાથે પાસ કરાવવાની જગ્યાએ સરકારે આ બિલને JPCને મોકલવાનું પસંદ કર્યું છે . કહેવાઈ રહ્યું છે કે , સાથી પક્ષો JDU અને TDPનું સરકાર પર JPC ગઠન માટે દબાણ હતું.
ક્યારે બનાવામાં આવે છે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી?
વાત કરીએ આ JPCની એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની તો તે સંસદમાં કોઈ બિલની તપાસ માટે બનાવવામાં આવે છે . આ JPCમાં બેઉ પક્ષો સત્તાધારી અને વિરોધ પક્ષના સાંસદો હોય છે . સભ્ય સંખ્યા પર કોઈ લિમિટ હોતી નથી . આના કોઈ પણ સૂચનો એ સરકાર પર બાધ્ય નથી હોતા . ભુતકાળમાં આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીએ બોફોર્સ કૌભાંડ 1987 , હર્ષદ મહેતાનું સ્ટોક માર્કેટ સ્કેમ 1992 , કેતન પારેખ સ્કેમ 2001, આ પછી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન 2016 વખતે અને છેલ્લે 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર બનાવવામાં આવી હતી. તો જોઈએ આ JPCનો રિપોર્ટ વક્ફ સંશોધન ખરડા પર કેવો હશે?