બનાસકાંઠાના રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. થોડા સમયથી અટકળો ચાલી રહી હતી તે ડીસાના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.ત્યારે અટકળો પર અંત આવ્યો છે અને તેમણે ખરેખર કોંગ્રેંસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસની કથળી જતી હાલતને કારણે તેમના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા. ત્યારે દિગ્ગજ નેતાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગોવાભાઈ રબારીના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.
ગમે ત્યારે નેતા ધારણ કરી શકે છે કેસરિયો!
કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે. થોડા સમય પહેલા ગેનીબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ વાતનો ખુલાસો ગેનીબેને આપ્યો હતો કે તેઓ ભાજપમાં નથી જોડાવાના. ત્યારે આવી જ અફવાઓ ડીસા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી માટે ચર્ચાતી હતી. ગમે ત્યારે તે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે.