કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અનેક વખત સામે આવતા હોય છે. નેતાઓ વચ્ચેના મતભેદ તેમજ આંતરિક ઘમાસાણ સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. તમને લાગતું હશે કે રાજસ્થાન કોંગ્રેસની વાત કરવામાં આવી રહી છે પરંતુ ના આ સમાચાર ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક ટ્વિટથી રાજકારણ ગરમાઈ ગયું છે. શેખે ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ હાઈકમાન્ડને કરી છે. ઉલ્લેખનિય છે કે શેખે પોતાના ટ્વિટમાં પ્રમુખનું નામ ન લેતા આડકતરી રીતે જગદીશ ઠાકોર પર નિશાન સાધ્યું છે.
ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યા છે ડખા!
એક ટ્વિટે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધી છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા વિવાદ અનેક વખત સામે આવ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટનો વિવાદ હજી શાંત નથી થયો ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે વિવાદ શરૂ થવાનો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખને બદલવાની માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકમાન્ડને આવી રજૂઆત કરવામાં આવી છે. શેખના આ ટ્વિટને કારણે કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ તેમજ વિરોધના વંટોળ શરૂ થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
નામ લીધા વગર જગદીશ ઠાકોર પર કર્યા પ્રહાર!
શેખે પોતાના ટ્વિટમાં લખ્યું કે હાઈકમાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેક્ષણના આધારે જે વ્યકિત કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય, પાયાના કાર્યકરને આદર આપતો હોય અને જનસમસ્યાઓ માટે સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતો હોય તેવા વ્યકિતને ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનાવવો જોઈએ. મહત્વનું છે કે હાલ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ જગદીશ ઠાકોર કરી રહ્યા છે. જમાવટની ટીમે જ્યારે ગ્યાસુદ્દીન શેખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે જગદીશ ઠાકોર પોતે પદ છોડવા માગે છે.