આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિપક્ષી પાર્ટી દ્વારા એકતા બેઠક કરવામાં આવી હતી જેમાં અનેક પાર્ટીના નેતાઓનો સમાવેશ થયો હતો. ત્યારે ફરી એક વખત બેઠકનું આયોજન થવાનું છે જે કર્ણાટકના બેંગ્લુરૂમાં આયોજીત થવાની છે. 24 જેટલી પાર્ટીઓ આ બેઠકમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસે આ બેઠક બોલાવી છે, જે 17-18 જુલાઈના રોજ આયોજીત થવાની છે.
પહેલી બેઠક મળી હતી પટનામાં
કેન્દ્રમાં હાલ ભાજપની સત્તા છે. ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો વિરોધ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષમાં એકતા આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 23 જૂનના રોજ પટનામાં વિપક્ષના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠકમાં અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. મુખ્યમંત્રી નિતીશ કુમારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી હાજર રહ્યા હતા. ત્યારે આ વખતની બેઠકમાં પણ 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ વખતે કર્ણાટકમાં બેઠક બોલાવાઈ છે.
સોનિયા ગાંધી બેઠકમાં થઈ શકે છે સામેલ
વિપક્ષી એકતા બેઠકમાં 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં MDMK, KDMK, VCK, RSP,ફોરવર્ડ બ્લોક, IUML,કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) ના નામનો સમાવેશ થાય છે. 18 જુલાઈના રોજ સત્તાવાર રીતે નેતાઓ મળશે, પરંતુ બેઠકના એક દિવસ પહેલા એટલે કે 17 જુલાઈના રોજ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. નેતાઓ અનઔપચારિક રીતે બેઠક કરશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી પણ સામેલ થઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે બંને દિવસની બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે 2024માં થનારી લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડવી, તેમજ કેવી રીતે ભાજપને હરાવી તે મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.