ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માવઠાને કારણે આ વર્ષે કેસર કેરીના પાકને પણ નુકસાન થયું છે. વાતાવરણમાં અનિયમિતતા આવતા આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનને કારણે આંબા પર બેથી ત્રણ તબક્કે મોર આવી રહ્યા છે. તળાજા વિસ્તારમાં થતી કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે જેને કારણે ભાવમાં પણ વધારો થઈ શકે છે.
પલટાતા વાતાવરણે વધારી ચિંતા!
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળાના સમયમાં કેરી ખાવાની અલગ મજા હોય છે. લોકો આખું વર્ષ કેરી ખાવા માટે રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેસર કેરી મોંઘી પડી શકે છે. ભાવનગરના તળાજામાં માવઠાને કારણે આંબા પર આવતા મોર ખરી પડ્યા છે. ફેબ્રુઆરીના પ્રારંભ પછી ઠંડીને કારણે આંબા પર પાંખા મોર આવ્યા હતા. ધીમે ધીમે આંબા પર ભરપૂર મોર આવવા લાગ્યા હતા. પરંતુ ઉનાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે મોર ખરી પડ્યા છે. પવન ફૂંકાવવાને કારણે તેમજ માવઠાને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણરીતે ખરી પડ્યો છે. ત્યારે હજી પણ વાતાવરણમાં અનિયમિતતા જોવા મળી રહી છે.
કમોસમી વરસાદને કારણે કેરીના પાકને થયું નુકસાન
હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. આ વખતે કેરીને પણ નુકસાન થયું છે. સામાન્ય રીતે માર્ચના પ્રારંભમાં આગોત્રી કેરીનો ફાલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ફાલ નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યા છે. આંબાના ઝાડ ઉપર પણ મોર આવેલા ખરી પડ્યા છે. જો આવનાર 15 દિવસો દરમિયાન જો વાતાવરણ અનુકુળ રહે તો કેરી ઝડપથી થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.