ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે. ત્યારે ભાજપ પર જગદીશ ઠાકોરે નિશાન સાધ્યું છે. નિવેદન આપતા જગદીશ ઠાકોરે ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું કે આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી.
આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે - જગદીશ ઠાકોર
ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સત્તાનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓ પાર્ટી પર આક્ષેપ કરતા હોય છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે.ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે તે અંગે તેમણે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહે તો પણ ભાજપની હાર નિશ્ચિત છે. આ વખતે ભાજપને 70 જેટલી સીટો પણ નહીં મળે.
જયનારાયણ વ્યાસને લઈ આપી પ્રતિક્રિયા
ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પાર્ટીથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ચૂંટણી જાહેર થયા બાદ અનેક નેતાઓએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી બીજી પાર્ટીમાં જતા રહે છે. ત્યારે ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસને લઈ નિવેદન આપતા કહ્યું કે જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષ પહેલા કપાઈ ગઈ હતી. ટિકિટ કપાયા પછી પણ તેઓ ભાજપમાં રહ્યા. ભાજપની ટિકા કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો પોતાના દુ:ખને કારણે પાર્ટી છોડી રહ્યા છે.
શું કોંગ્રેસમાં જોડાશે જયનારાયણ વ્યાસ?
જગદીશ ઠાકોરના નિવેદનથી અટકળોનું બજાર ગરમાયું છે. અટકળો પ્રમાણે થોડા સમયમાં જ જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાત બાદ આવી વાતો વહેતી થવા લાગી હતી. ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જશે કે નહીં તે સસ્પેન્સ અકબંધ છે.