લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અલગ અલગ હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવતું હોય છે. અનેક હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં સર ટી હોસ્પિટલના પરિસરમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર છે પરંતુ હજી સુધી લોકો માટે ખોલવામાં આવી નથી. હોસ્પિટલ તૈયાર છે, બધા સાધનો હોસ્પિટલમાં આવી ગયા છે પરંતુ દરવાજા પર તાળું લટકી રહ્યું છે. કરોડોના ખર્ચે દવાખાનું બનાવવામાં આવ્યું છે પરંતુ શરૂઆત ન થવાને કારણે દર્દીઓને મદદરૂપ નથી થઈ શક્તી.
હોસ્પિટલમાં તમામ સાધનો છે પરંતુ નથી કરવામાં આવ્યું લોકાર્પણ
અનેક હોસ્પિટલોમાં નવી નવી સુવિધાઓ મળી રહે તે માટે સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં 200 કરોડના ખર્ચે મલટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ દર્દીઓને લાભ મળતો નથી કારણ કે હોસ્પિટલ બહાર તાળું લટકે છે. હોસ્પિટલ સંપૂર્ણ બનીને તૈયાર પણ છે પરંતુ તે ઉદ્દઘાટન અને સ્ટાફ ન હોવાને કારણે ધૂળ ખાઈ રહી છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં AC પણ ફીટ થઈ ગયા છે.
તમામ અત્યાધુનિક સાધનો છે પરંતુ દર્દીઓને નથી મળતો લાભ
મોટી વાત એ છે કે બિમારીથી પીડાતા લોકોને સારવાર માટે રાજકોટ જ આવવું પડે છે. દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ જે દર્દીઓને માટે તે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમને સારવાર નથી મળતી. કારણ કે હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું નથી. MRI મશીનથી લઈને તમામ અત્યાધુનિક સાધનોથી હોસ્પિટલ સજ્જ છે. અને તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે કરવાના દાવા પણ કરાયા હતા પરંતુ એ તો ત્યારે થશે જ્યારે હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવશે.
હોસ્પિટલનું ઉદ્ધાટન શા માટે નથી કરવામાં આવ્યું? - શક્તિસિંહ ગોહિલ
ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સર ટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આ લોકોને ધ્યાનમાં રાખીને જ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર પણ છે પરંતુ દર્દીઓ અમદાવાદ રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લાભ લેવા લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું. શક્તિસિંહ ગોહીલે આ વાતને લઈ પ્રશ્ન પૂછ્યો છે.