ગૌ-માતા માટે અનેક વખત જમાવટ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકો અબોલ પશુઓ માટે સહાયની માગ કરી રહ્યા હતા. સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવામાં જમાવટે મોટી ભૂમિકા ભજવી હતી. પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા માલધારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાવટની ટીમ પણ ગઈ હતી અને તેમનો અવાજ બની હતી.
અંબાજી ખાતેથી PM કરશે મુખ્યમંત્રી ગૌ-પોષણ યોજનાની શરૂઆત
છેલ્લા અનેક વખતથી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય માટે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે દર્શન માટે જવાના છે. ત્યારે શક્તિ પીઠ અંબાજી ખાતેથી તેઓ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવાના છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે બજેટમાંથી 500 કરોડની ફાળવણી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને આપવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારે ગૌ-માતા માટે ફાળવેલા બજેટમાંથી અપાશે સહાય
મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ-શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં ગૌ માતાને પૂજનીય અને વંદનીય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં ગૌ-માતાની સેવા તેમજ તેમનું રક્ષણ કરનાર ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને વડાપ્રધાન મોદી અંબાજી ખાતે થી સહાય આપી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાની શરૂઆત કરશે.