જ્યારે ભારતનું નામ પડે એટલે તેની સંસ્કૃતિ, રીતિ રિવાજ, સંસ્કાર વગેરે બધુ નજરોની સામે પડે. વિદેશમાં આ જ રીતે આપણા ભારતને ઓળખવામાં આવે છે. તમામ ધર્મના લોકો અને સમાજ અહીં એક સાથે શાંતિ અને પ્રેમથી રહેતા આવ્યા છે. અનેક વાવાઝોડા પછી પણ ભારતે તેનું શાંતિ, રીતિ-રિવાજ અને સંસ્કારોનું મૂળ તત્વ નથી છોડ્યું. નાનામાં નાના માણસથી મોટામાં મોટા વ્યક્તિ સુધી સૌ પોતાની અંદર ભારતના એ સંસ્કાર ક્યાંક ખુણામાં સાચવીને બેઠું છે. આજે એવી જ એક વાત આ વીડિયોમાં કરવી છે. વાત કરવી છે એક પરિવારની જે પોતાની સંપત્તિ જ નહીં પણ સંસ્કાર, રીતિ રિવાજ અને વ્યવહારથી ઓળખાય છે.
તિરૂપતિ દેવસ્થાનમાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ કર્યા દર્શન
થોડા સમય પહેલા દેશની સુપ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની શરૂઆત કરનાર ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ પહોંચ્યા હતા. અહીં તેમણે સોનાનો શંખ અને સુવર્ણ કાચબાની મૂર્તિ દાનમાં આપી હતી. બંને લોકો ધાર્મિક છે અને દક્ષિણ ભારતના રીત રિવાજથી સજ્જ છે. આ ખુબીના કારણે સુધા મૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ દાનમાં આપેલ શંખ અને કાચબાની મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય EO ધર્મ રેડ્ડીને સોંપી.
નારાયણ મૂર્તિ ભગવદ્ ગીતાથી છે ખૂબ પ્રભાવિત
આ ખાસ પ્રસંગે બંને મંદિરના રંગનાયકુલા મંડપમમાં ગયા હતા. આપણે જાણીએ જ છીએ કે હમણા થોડા સમય પહેલા નારાયણ મૂર્તિએ જાહેરમાં વાત કરી હતી કે તેઓ ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત છે. અબજોપતિએ ભારતીય મહાકાવ્ય મહાભારતના તેના પ્રિય પાત્ર વિશે પણ વાત કરી હતી. ભૂતકાળમાં એક કાર્યક્રમમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, “મહાભારતમાં જે પાત્ર મને સૌથી વધુ પ્રેરિત કરે છે તે કર્ણ છે અને તે તેની ઉદારતાને કારણે છે. આ રીતે હું મોટો થયો છું."
1.50 કરોડ રૂપિયાનું દંપત્તિએ કર્યું દાન
મૂર્તિ દંપતીએ મંદિરમાં દાન કરવામાં આવેલ સોનાનો શંખ અને કાચબાની મૂર્તિ ખૂબ જ ખાસ છે. આ બંનેને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના અભિષેકમાં થાય છે. દક્ષિણ ભારતના આ દાનને 'ભૂરી' દાન પણ કહેવાય છે. જ્યારે દાન કરવામાં આવ્યું હતું ત્યારે બજારમાં સોનાની સરેરાશ કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. મૂર્તિ દંપતિએ દાનમાં આપેલ સોનાનો શંખ અને કાચબાની મૂર્તિનું વજન લગભગ 2 કિલો છે. આ કિસ્સામાં, તેમની કિંમત લગભગ 1.50 કરોડ રૂપિયા છે.
અનેક મોટી હસ્તીઓ તિરૂપતિ બાલાજી મંદિરના કરતા હોય છે દર્શન
તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિર પ્રાચીન સમયથી દાન મેળવતું આવ્યું છે. મોટા મોટા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ મંદિરમાં પહોંચતા રહે છે. એવું પણ માનવામાં આવે છે કે આવા દાનથી ભગવાન વેંકટેશ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે તેવી લોકોની શ્રદ્ધા અને માન્યતા છે..