દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે આપણે વીર શદીહોને યાદ કરતા હોઈએ છીએ. અનેક વીર શહીદો એવા હોય છે જેમના શહીદીના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવતા નથી. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે બોર્ડર પર લડતા લડતા ગુજરાતના મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. અમદાવાદમાં તેમની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે મહિપાલસિંહની શહીદી લોકોને યાદ રહે તે માટે લીલાનગર પ્રાથમિક શાળાનું નામ બદલી તે શાળાને મહિપાલસિંહ નામ આપવામાં આવ્યું છે.
સરહદ પર વીર જવાનો તૈનાત છે એટલે આપણે ઘરમાં સુરક્ષિત છીએ
સરહદ પર અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. રાષ્ટ્ર તહેવારના દિવસે આપણે એ વીર જવાનોને યાદ કરતા હોઈએ છીએ. ઘણા વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું જે આજે પણ આપણા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. પર મત ભૂલો સીમા પર, વીરોં ને હૈ પ્રાણ ગઁવાએ, કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ન આએ.... કોઈ સિખ કોઈ જાટ મરાઠા, કોઈ ગુરખા કોઈ મદરાસી, સરહદ પે મરને વાલા, હર વીર થા ભારતવાસી....
મહિપાલસિંહના નામ પર રખાયું પ્રાથમિક શાળાનું નામ
સરહદ પર આપણા વીર હાજર છે, તેના કારણે જ આપણે પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ત્યારે ગુજરાતથી સેનામાં ગેયલા મહિપાલસિંહ વાળા શહીદ થઈ ગયા હતા. અશ્રુભીની આંખે લોકોએ અને તેમના પરિવારના સભ્યોને તેમને અંતિમવિદાય આપી હતી. શહીદ થયે થોડા દિવસો બાદ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો જેને વિરલબા નામ આપવામાં આવ્યું. લોકોએ કહ્યું વીરના ઘરે વિરાંગના જ જન્મ લે. મહિપાલસિંહની શહીદીની વાત અનેક પેઢીઓ સુધી યાદ રહે તે માટે પ્રાથમિક શાળાના નામને બદલવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય પર્વ સિવાય આપણે નથી યાદ કરતા વીર શહીદોને!
લીલાનગર પ્રાથમિક શાળાને મહિપાલસિંહ વાળાનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ , વીર શહીદોના પરિવારને સન્માન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ત્યાં લીલાનગર પ્રાથમિક શાળાનું નામ પણ શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આપણે વીર જવાનોને, તેમના બલિદાનોને આવા રાષ્ટ્રીય પર્વ પર જ યાદ કરીએ છીએ. પરંતુ અન્ય દિવસો દરમિયાન આપણે વીર શહીદોને યાદ નથી કરતા.