ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચારનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા ઠેર-ઠેર જનસભાનું આયોજન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં છે. ત્યારે વડોદરા ખાતે સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી શુદ્ધ પાણી નથી મળી રહ્યું. ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.
સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ
ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. એવા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં લખાણ કરવામાં આવે છે કે પ્રચાર માટે કોઈએ અહિંયા આવું નહીં. ત્યારે વડોદરાના આજવા રોડ ઉપર આવેલ શ્રી ચામુંડા નગર વિભાગ-2ના સદસ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવા માટે શુદ્ધ પાણી નહીં પરંતુ ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઘણો સમય વિત્યા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
રજૂઆત છતાં ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય
વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા, રોડ શો કરી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. એક તરફ જ્યારે વડાપ્રધાન પ્રચાર કરી રહ્યા હોય તો બીજી તરફ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે. મિશ્રિત પાણી આવવાને કારણે આ પાણી કોઈ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. ઉપરાંત દુષિત પાણી આવવાને કારણે બીમારીનો સામનો લોકો કરી રહ્યા છે. આ વાતની રજૂઆત અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ કચેરી ખાતે કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં પણ કોઈ નિરાકારણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય સ્થાનિકાએ કર્યો છે.