ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને બદલી દીધા છે. પહેલા જે જવાબદારી જગદીશ ઠાકોર સંભાળતા હતા હવે તે જવાબદારી શક્તિ સિંહ ગોહિલ સંભાળશે. સત્તાવાર રીતે તેમણે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ નિયુક્તિ કરી શકે છે. રઘુ શર્મા આ જવાબદારી નિભાવતા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું.
રઘુ શર્માએ આપી દીધું હતું રાજીનામું
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. 182માંથી કોંગ્રેસના ફાળે માત્ર 17 સીટો જ આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાઈકમાન્ડ દ્વારા નવા ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જગદીશ ઠાકોર જે જવાબદારી સોંપવામાં આવી હતી તે હવે શક્તિસિંહ ગોહિલ સંભાળવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ સાથે ગુજરાતના કોંગ્રેસના 18 જેટલા નેતાઓએ બેઠક કરી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી બાદ રઘુ શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.
આ નેતાઓ બેઠકમાં રહ્યા હતા હાજર
એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કમલમની જેમ સમગ્ર ગુજરાતમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવશે.દિલ્હી ખાતે ગુજરાતના નેતાઓએ બેઠક કરી હતી. રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવાનો નિર્ણય બેઠકમાં લેવાયેલો છે. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર હતા.