રાજ્યના બેરોજગાર યુવાનો માટે સરકારની નોકરી એ જાણે જીવનનું અંતિમ ધ્યેય બની ગયું છે. ચૂંટણીઓની મોસમ આવે એટલે દરેક સરકાર પોતાના મેનીફેસ્ટોમાં આટલી નોકરીઓ આપીશું તેની જાહેરાત કરતી સરકાર ખરેખર તો ચૂંટણી પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પણ ભરતી નથી. આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આજે જ PM મોદીનું હોમસ્ટેટ ગુજરાત આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચામાં છે. સરકારી નોકરી માટે તરસતા બેરોજગાર યુવાનો એ સોશિયલ મીડિયા પર #Guj_ govt_declares_Recruitment ટ્રેન્ડ શરૂ કર્યો છે.
સરકાર ક્યારે જાગશે?
સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ગુજરાતના બેકાર યુવાનો પ્લેટફોર્મ X પર ગુજરાત સરકારની વિવિધ ખાલી પડી રહેલી જગ્યાઓની નોટિફિકેશન જાહેર કરવા ઉપરાંત કેલેન્ડર જાહેર કરવા માંગણી કરી રહ્યા છે . આ પ્રકારની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની અને આ ટ્રેન્ડ પર 1 લાખ 7 હજાર કરતા વધુ ટવિટ થઈ ચુકી છે. આ ટ્રેન્ડ પ્લેટફોર્મ X પર ઉમેદવારોની એકતાનું પ્રતીક બની ચૂક્યું છે. રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે જયારે નોકરીની જાહેરાતમાં મોડું થાય, ડમી ઉમેદવાર પકડાય તદુપરાંત કૌભાંડ બહાર આવે ત્યારે પરીક્ષાઓ રદ્દ થતી હોય છે તેથી યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આથી સરકારે પણ હવે મુદ્દે સક્રિય થવાની જરૂર છે.