નાની ઉંમરે બાળકો વાહનો ચલાવાની જીદ કરતા હોય છે. અનેક બાળકોને તો તેમના માતા-પિતા વાહન આપી દેતા હોય છે. વાહનો લઈ બાળકો સ્કુલે જતા હોય છે તો તેમના વાલીઓ આ વાત પર ગર્વ લેતા હોય છે. પરંતુ વાહનો આપી દેવાથી અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. 16 વર્ષની દીકરીને વાહન ચલાવા આપ્યું. સગીરાએ સોસાયટીમાં રહેતા સગીરને વાહન આપ્યું. વાહન સ્લીપ થતાં બંને પડ્યા અને સગીરનું મોત થઈ ગયું. આ મામલામાં સગીરાના પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં બની ઘટના
આજકાલના છોકરાઓ સગીર વયે ટુ વ્હીલર ચલાવતા થઈ ગયા છે. લાઈસન્સ આવે તે પહેલા વાહનો લઈ ફરતા હોય છે. સ્કુલ જવું હોય કે ટ્યુશનમાં જવું હોય તો આજની પેઢી ટુ વ્હીલર લઈને જતાં હોય છે. માતા પિતા પણ હર્ખાઈને વાહન ચલાવા આપી દેતા હોય છે. જેને કારણે ગંભીર પરિણામ ભોગવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચેતવણીરુપ એક કિસ્સો બન્યો છે.
સ્લીપ થતાં સારવાર દરમિયાન થયું સગીરનું મોત
અમદાવાદના કુબેરનગરની 16 વર્ષની સગીરા ટુ-વ્હીલર લઈને સ્કુલે જવા નીકળી હતી. સગીરાએ તેમની સોસાયટીમાં રહેતા સગીરને વાહન ચલાવા આપ્યું. સરદારનગર ભાગ્યોદય સોસાયટી પાસે વાહન સ્લીપ થઈ જતા બંને પટકાયા હતા. અકસ્માતને પગલે લોકો ભેગા થયા અને બંનેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું.
સગીરાના પિતા વિરુદ્ધ કરાઈ કાર્યવાહી
છોકરીની ઉંમર નાની હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું જે બદલ પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેમને જાણ થઈ કે સગીરા પાસે લાઈસન્સ ન હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું. જે બાદ તેઓ પોતે જ આ મામલાના ફરિયાદી બન્યા અને સગીરાના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવા તો અનેક વાલીઓ હશે જે નાની ઉંમરે બાળકોને વાહન ચલાવા આપી દેતા હોય છે. આવા કેસમાં અકસ્માત થાય તો કોણ જવાબદાર?