એક સમય હતો જ્યારે સોના ચાંદીના ઘરેણાઓની કે કિંમતી વસ્તુઓની ચોરી થતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ચોરો ઘરેણાઓની ચોરી નહીં પરંતુ ટામેટાની ચોરી કરી રહ્યા છે. જી હા, ખેતરમાંથી લાખો રુપિયાના ટામેટાની ચોરી થઈ હોવાનો દાવો કર્ણાટકના એક ખેડૂત કરી રહ્યા છે. કર્ણાટકના હાસન જિલ્લામાં ટામેટા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂત આરોપ લગાવી રહ્યો છે કે ચોરોએ ખેતરમાંથી અનેક કિલો ટામેટાની ચોરી કરી છે જેની કિંમત લાખોમાં થાય છે. પોલીસે અજ્ઞાત ચોરો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે.
2.5 લાખના ટામેટાની થઈ ચોરી!
ટામેટાના ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે. થોડા સમય પહેલા જે ટામેટાના ભાવ 20-30 રુપિયા કિલો બોલાતા હતા તે જ ટામેટાના ભાવમાં અનેક ઘણો વધારો થયો છે. 100થી 150 રુપિયા કિલો ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. એકાએક ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ખેડૂતો પોતાના ટામેટાના પાકને લઈ ચિંતિત થયા છે.ત્યારે કર્ણાટકથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરોએ સોના ચાંદીના ઘરેણા નહીં પરંતુ ટામેટાના ખેતરમાં હાથ સાફ કર્યો હતો. ચોરોએ અનેક કિલો ટામેટાની ચોરી કરી જેને લઈ ખેડૂતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટામેટાની ચોરી થઈ હોય તેવો દાવો ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા અજ્ઞાત ચોર વિરુદ્ધ તપાસ આરંભી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર અંદાજીત 2.5 લાખના ટામેટાઓ ચોર ચોરી કરીને લઈ ગયા છે.
અનેક શાકભાજીના ભાવમાં થયો વધારો
ટામેટાના ભાવ વધવાની પાછળ અનેક કારણો જવાબદાર છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આદુ, મરચા સહિતના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં ટામેટા 200 રૂપિયે કિલોએ પણ મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.