ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. અનેક જગ્યાઓ પર રાજનેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી જીતવા પાર્ટીઓએ અનેક વાયદા વચનો આપ્યા છે. પ્રચારમાં નેતાઓ વ્યસ્ત બન્યા છે જેને કારણે સામાન્ય નાગરિકને પડતી મુશ્કેલીઓ ભૂલાઈ ગઈ છે. પ્રચારમાં શું વાયદા આપો છો તેનાથી લોકોને ફરક નથી પડવાનો પરંતુ ખરાબ રસ્તા, રસ્તાઓ પર પડેલા ખાડા, રખડતા પશુઓ, વધતો ટ્રાફિક, વધતી ગંદકીથી સામાન્ય લોકોને ફરક પડે છે.
ખરાબ રસ્તાથી લોકો છે ત્રસ્ત...
ગુજરાતમાં ચૂંટણીનો મોસમ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન પાર્ટી મતદારોને રિઝવવા અનેક વાયદા વચન આપતી હોય છે. પરંતુ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓની અવગણના કરી લેતા હોય છે. સામાન્ય માણસને વાયદા વચનોથી ફરક નથી પડતો પરંતુ તેમને પડતી તેમની પડતી મુશ્કેલીથી ફરક પડે છે. રસ્તાઓની હાલ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળે છે. ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વધતા ખાડાને કારણે વાહનને પણ નુક્શાન થાય છે ઉપરાંત શરીરને પણ ઘણું નુક્શાન થાય છે.
વધતો ટ્રાફિક બની માથાનો દુખાવો....
જેમ જેમ માણસોની સંખ્યા વધી રહી છે તેમ તેમ વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. વધતા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. વધતા ટ્રાફિકને કારણે વધારે પેટ્રોલ બળે છે તો સમય પણ વધારે લાગે છે. રસ્તાઓની બિસ્માર હાલતને કારણે એમ પણ વાહનો ધીમે ચલાવવા પડે છે તો વધતા ટ્રાફિકને કારણે પણ સ્પીડમાં ઘટાડો થાય છે. ટ્રાફિકની સમસ્યાની અવગણના ન કરી શકીએ.
જીવલેણ બની રહ્યા છે રખડતા પશુઓ...
ન માત્ર ખાડાઓથી લોકો પરેશાન છે, પરંતુ રખડતા ઢોરને કારણે પણ લોકો પરેશાન થઈ ગયા છે. ઢોરને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ સમસ્યા પણ દિવસેને દિવસે વધતી રહી છે. ન માત્ર વાહનચાલકો આને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે પરંતુ રાહદારીઓ પણ આને કારણે ત્રસ્ત છે. જવાબદાર અધિકારી પણ આ અંગે એકદમ નિષ્ક્રિય છે. અનેક રજૂઆત બાદ પણ આ સમસ્યાનો અંત નથી આવ્યો. તંત્રની બેકરકારીને કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.
વધતી ગંદકીને કારણે લોકો પરેશાન...
ગંદકીને કારણે પણ લોકો ત્રસ્ત છે. એક તરફ કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાઓ પર ગંદકીનું સામરાજ્ય જોવા મળે છે. વધતી ગંદકીને કારણે પણ લોકો પરેશાન થઈ ગયા છે. એવી અનેક જગ્યાઓ છે જ્યાં ગંદકી જ ગંદકી જોવા મળે છે. સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. પરંતુ એવું લાગે છે કે આ બધી વસ્તુ માત્ર કાગળ પર જ જોવા મળે છે.
અનેક મુશ્કેલીનો સામનો કરતા મતદાર
અમે જે સમસ્યા ગણાવી એ તો એકદમ પ્રાથમિક સમસ્યા છે. આવી તો અનેક સમસ્યાઓ હશે જેનો સામનો રોજ રોજ લોકો કરી રહ્યા છે. ત્યારે અમારી એટલી જ અપીલ છે કે ચૂંટણી પ્રચારમાંથી થોડો સમય કાઢી લોકોને પડતી સમસ્યાનો ઉકેલ લાવવા ખરેખર પ્રયાસ કરવા જોઈએ. કારણ કે આ જ મતદારો મતદાન કરી સરકારને સત્તા પર લાવે છે.