એક તરફ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ વરસાદની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. કમોસમી વરસાદની આગાહીએ જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે. ગરમી વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીએ વધારી જગતના તાતની ચિંતા
સામાન્ય રીતે વરસાદની આગાહી ચોમાસા દરમિયાન કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો અને ઉનાળા દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં આવેલા વરસાદે જગતના તાતને હેરાન પરેશાન કરી દીધા હતા ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરાતા ખેડૂત ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 13 તારીખે સુરત, નવસારી,વલસાડ, ગીર સોમનાથ તેમજ કચ્છના અનેક ભાગોમાં વરસાદ થશે. જો 14 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. 15 એપ્રિલની વાત કરીએ તો દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ કચ્છમાં માવઠું આવી શકે છે.
16 એપ્રિલ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે માવઠું
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખ સુધી આકરો તાપ પડશે. 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે..