ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયા બાદ લોકો તેમાં પણ ખાસ કરીને ખેડૂતો ચાતકનજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં વરસાદ ક્યારે આવશે તેને લઈ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે આગાહી કરવામાં આવી છે તેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ઉઠી છે. સપ્ટેમ્બરમાં મેઘમહેર જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંને દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાની અસર પડી વરસાદી સિસ્ટમ પર
એક સમય હતો જ્યારે ગુજરાતના અનેક ખુણાઓથી અનેક જિલ્લાઓથી સમાચાર આવતા હતા કે આ જગ્યા પર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, આ વિસ્તારમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે વગેરે...વગેરે... પરંતુ ઓગસ્ટ મહિના બાદ તો વરસાદની એન્ટ્રી જ નથી થઈ એવું લાગી રહ્યું છે. ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી ન હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો. ત્યારે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. જો વરસાદ નહીં આવે તો તેમનો પાક નિષ્ફળ જશે તેવો ડર તેમને સતાવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડા બાદ તો વરસાદની સિસ્ટમ એકદમ બદલાઈ ગઈ છે. હવામાનને લઈ રોજ નવા અપડેટ આવતા હોય છે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આ તારીખે પડશે વરસાદ
તે સિવાય જૂનાગઢ, પોરબંદર, બોટાદ, દ્વારકા, દીવ,ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 8 તારીખ માટે કરવામાં આવેલી આગાહી મુજબ સુરત, ડાંગ. નવસારી, તાપી, દમણમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ 8 તારીખે અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે.
અંબાલાલ કાકાએ જણાવ્યું આ જિલ્લાઓમાં થશે મેઘમહેર
હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ પણ વરસાદને લઈ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે. ગુજરાતમાં તો વરસાદી માહોલ જામશે પરંતુ દેશના વિવિધ ભાગોમાં પણ વરસાદ સારો વરસી શકે છે તેવી આગાહી કરી છે.
12 સપ્ટેમ્બર સુધી વરસાદને લઈ અંબાલાલ કાકાએ કરી આગાહી
કાકાની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ તેમજ કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના સૌરાષ્ટ્રના ભાગોમાં 12 સપ્ટેમ્બર સુધીમાં મેઘમહેર જોવા મળી શકે છે.