ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે કારણ કે ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ગઈ છે ત્યારે વાઘોડિયા બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળવાનો છે કારણ કે અપક્ષ ઉમેદવાર તરીકે દબંગ નેતાની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવએ આજે ઉમેદવારી નોંધાવી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
6 ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવ્યું હતું.. આ ઓપરેશન અંતર્ગત બીજા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા..પક્ષપલટો કરનાર અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે... વિધાનસભા ચૂંટણી બાદ 6 બેઠકોના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમાં વિજાપુરના ધારાસભ્ય, પોરબંદરના ધારાસભ્ય, માણાવદરના ધારાસભ્ય, ખંભાતના ધારાસભ્ય તેમજ વાઘોડિયાના ધારાસભ્ય તેમજ વિસાવદરના ધારાસભ્યનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણીની સાથે સાથે થવાની છે પેટા ચૂંટણી
ધારાસભ્યએ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે... રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યો જોડાઈ ગયા.. ત્યારે ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે પણ લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી યોજાવાની છે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. હજી સુધી આ બેઠકો પર ત્રિ પાંખીયો જંગ નતો જામ્યો પરંતુ આજે વાઘોડિયાની બેઠક પર ત્રિ પાંખિયો જંગ જામ્યો છે કારણ કે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે...
કોણ છે પેટા ચૂંટણી માટેના ઉમેદવાર?
જો પેટા ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ સી.જે.ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે દિનેશ પટેલને ટિકીટ આપી છે... પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે આ બેઠક પર રાજુ ઓડેદરાને ટિકીટ આપી છે... માણાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે અરવિંદ લાડાણીને તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તે ઉપરાંત ખંભાત પર ભાજપે ચિરાગ પટેલને જ્યારે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકીટ આપી છે. મહત્વનું છે કે વાઘોડિયા બેઠક પર ભાજપે ધર્મેન્દ્ર વાઘેલાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકીટ આપી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.