આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ગમે ત્યાં હશે પરંતુ તે લોકસભાની ચૂંટણી લડશે. જન જન સુધી ચૈતર વસાવાએ શું કામ કર્યા તે પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ડેડીયાપાડા ખાતે તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે તેવી માહિતી સામે આવી છે.
ચૈતર વસાવાના સમર્થકો કરી રહ્યા છે પ્રચાર
વનકર્મીને માર મારવાના આક્ષેપ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ અનેક દિવસો સુધી ફરાર રહ્યા હતા. તે બાદ અચાનક ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે આપના નેતાઓ ત્યાં હાજર હતા અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમના સમર્થકો લોકો સુધી તેમના કામોને પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમય પહેલા આપના ડેડીયાપાડાના પ્રભારીએ એસટી બસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે પેમ્ફેલ્ટનું વિતરણ કર્યું છે જેમાં ચૈતર વસાવાએ શું કામ કર્યા છે તે દર્શાવવામાં આવ્યા.
7 જાન્યુઆરીએ ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ
ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવવાના છે. 7 જાન્યુઆરીએ ડેડીયાપાડા બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જનસભાને કેજરીવાલ સંબોધિત કરવાના છે. ચૈતર વસાવાની બદલીમાં તેમના પત્ની વર્ષા વસાવા લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષા વસાવા પણ આપના કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરવા માટે ચૈતર વસાવાએ જેલમાંથી સંદેશો મોકલાવ્યો.
ઈડી ગમે ત્યારે કરી શકે છે અરવિંદ કેજરીવાલની ધરપકડ!
એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે તેની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે તેવો દાવો આપના નેતાઓ કરી રહ્યા છે. ઈડી દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્રણ વખત પાઠવવામાં આવેલી નોટિસ બાદ પણ અરવિંદ કેજરીવાલ જવાબ આપવા માટે હાજર ન થયા હતા. ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવશે કે પછી તેમની ધરપકડ થઈ ગઈ હશે?