સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા થવાની છે. ત્રણ દિવસ સુધી આ ચર્ચા ચાલવાની છે અને એવી માહિતી સામે આવી રહી છે કે ગુરૂવારે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. આજથી લોસભામાં ત્રણ દિવસ માટે આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. મહત્વનું છે રાહુલ ગાંધી આ સત્રમાં પ્રથમ વખત સંસદમાં હાજર થશે.
સંસદમાં આજથી થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા
રાહુલ ગાંધીને ગઈકાલે પોતાનું સાંસદ પદ પરત મળ્યું છે. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ તેમને બે વર્ષની સજા આપવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ જતું રહ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મળેલી સજા પર સ્ટે મૂક્યો હતો. જેને કારણે તેમને સાંસદ પદ પાછું મળ્યું હતું અને લોકસભાની ચૂંટણી પણ તે હવે લડી શકશે. મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ સંસદમાં ભારે હોબાળો થઈ શકે છે. એમ પણ સંસદમાં હોબાળો થાય તે કોઈ નવી વાત નથી. વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો છે આજે બપોર બાદ તેની પર સંસદમાં ચર્ચા થવાની છે. વિપક્ષી પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને પેશ કરવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી ચર્ચાની કરી શકે છે શરૂઆત!
મહત્વનું છે કે સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હંગામો થાય છે. હોબાળાને કારણે અનેક વખત સંસદને સ્થગિત પણ કરવામાં આવી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ થઈ ગયા પરંતુ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણાયક પગલાં નથી લેવામાં આવ્યા. આ મામલે નથી તો પીએમ મોદીએ કોઈ નિવેદન આપ્યું. ત્યારે આ મામલે વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજની સંસદ રસપ્રદ રહી શકે છે કે કારણ કે રાહુલ ગાંધી પણ સંસદમાં હશે અને આજથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.