છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો ક્યાંક હિટવેવની આગાહી પણ કરાઈ છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે જગતના તાત પર સીધી અસર પડી રહી છે. 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પડે છે જગતના તાત પર
ઉનાળાની શરૂઆતમાં ભયંકર ગરમીનો સામનો આપણે કરી રહ્યા છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો એટલો બધો ઉચકાયો છે કે સવાલ થાય કે મે મહિનામાં કેટલી ભયંકર ગરમી પડશે.? ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ પર તેની સીધી અસર પડે છે અને હવામાનનું સંતુલન બગડી જાય છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો, ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા કદાચ આપણને આટલો ફર્ક નહીં પડે પરંતુ જગતના તાતની ચિંતા અવશ્ય વધી જતી હોય છે. વાતાવરણમાં આવતા ફેર બદલને કારણે ખેતી પર તેની અસર પડતી હોય છે.
આ જગ્યાઓ માટે કરવામાં આવી માવઠાની આગાહી
આ બધા વચ્ચે એક તરફ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે, તે ઉપરાંત 14 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે હવામાન નિષ્ણાત દ્વારા પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર આવતી કાલથી એટલે 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી તો કરાઈ છે પરંતુ સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ સહન કરવો પડશે તેવી વાત પણ કરાઈ છે. તાપમાનનો પારો 16 એપ્રિલ બાદ વધી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.