લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં સામેલ થવા અનેક દિગ્ગ્જ નેતાઓ આવ્યા હતા. મમતા બેનર્જી, નિતીશ કુમાર સહિતના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેના નામ પર ચર્ચા થઈ, ઉપરાંત બેઠકોને લઈ વિચાર વિમર્શ થયો. આ બધા વચ્ચે જેડીયુના નેતાનું દર્દ છલકાઈ આવ્યું! જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટુએ કહ્યું કે મીટિંગમાં સમોસા ન હતા, માત્ર ચા- બિસ્કિટ હતા, કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકી નહીં.
દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની મળી હતી બેઠક
દેશમાં અનેક સમસ્યાઓ છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. સંસદમાંથી અનેક વિપક્ષી સાંસદોઓને સસ્પેન્ડ થયા પર ચર્ચા થવી જોઈએ. અનેક સાંસદો આનો વિરોધ કરી રહ્યા હતા. 19 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ બેઠક થવાની હતી પરંતુ તેને કેન્સલ કરવામાં આવી. ત્યારે અનેક વખત ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ થઈ. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આ બેઠક પૂર્ણ થઈ અને આ મીટિંગમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા થઈ.
માત્ર ચા અને બિસ્કિટમાં મીટિંગ પતાવી દીધી!
ઈન્ડિયાની બેઠકમાં અનેક મુદ્દાઓ પર તકરાર પણ થઈ. પરંતુ જેડીયુના એક નેતાનું દર્દ તો કંઈક અલગ જ હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મીટિંગ દરમિયાન સમોસા ન રાખવામાં આવ્યા, ખાલી ચા-બિસ્કિટ આપીને મીટિંગ પૂર્ણ કરી દીધી. આ નિવેદન જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટૂ દ્વારા આપવામાં આવ્યું છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પહેલા જ્યારે મીટિંગ થતી હતી ત્યારે સમોસા તો મળતા જ હતા, પરંતુ આ વખતની બેઠકમાં માત્ર ચા બિસ્કિટમાં પતાવી દીધું. કોંગ્રેસ પોતે કહે છે કે તેમની પાસે ફંડની કમી છે. એટલે આ વખતે માત્ર ચા બિસ્કીટથી કામ પતાવી દીધું.