આજથી બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અદાણી અને હિંડનબર્ગ સહિત અનેક મુદ્દાઓને લઈ હંગામો થયો હતો જેને કારણે અનેક વખત સંસદમાં કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે બીજા તબક્કામાં પણ હંગામાને કારણે લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લંડનમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેને લઈ ભારતની સંસદમાં હોબાળો થયો હતો. ભાજપના નેતાઓનું કહેવું હતું કે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.
લંડનમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું ભાષણ
સંસદનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલવાનો છે. કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભારે હોબાળો થયો હતો. લંડનમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓને લઈ ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષને બોલવાનો મોકો નથી આપવામાં આવતો ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતમાં જ્યારે વિપક્ષ બોલવા જાય છે ત્યાં તેમના માઈક બંધ કરી દેવામાં આવે છે. તે સિવાય નોટબંધી, જીએસટી સહિતના અનેક મુદ્દાઓ પર તેમણે પોતાની વાત રજૂ કરી હતી ઉપરાંત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ભારતમાં રાહુલ ગાંધીના સંબોધન બાદ રાજકારણ ગરમાયું હતું. અનેક નેતાઓએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો હતો.
રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ
કાર્યવાહી શરૂ થાય તે પહેલા મલ્લિકાર્જુન ખડગેએ બેઠક બોલાવી હતી. વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો થયો હતો. લોકસભામાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગૃહના વરિષ્ઠ નેતા છે. તેઓએ વિદેશની ધરતી પરથી ભારતનું અપમાન કર્યું છે. તેમણે સંસદમાં આવીને માફી માગવી જોઈએ.
પિયુષ ગોયલે પણ રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો
રાજનાથ સિંહ ઉપરાંત પિયુષ ગોયલે પણ આ અંગે નિવેદન આપ્યું છે. પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી એક અગ્રણી વિપક્ષી નેતા છે. તેમણે વિદેશમાં જઈને ભારતીય લોકશાહી પર શરમજનક રીતે હુમલો કર્યો છે. તેમણે ભારતની જનતા અને સંસદનું અપમાન કર્યું છે. ભારતમાં બોલવાની સ્વતંત્રતા છે અને સાંસદો સંસદમાં બોલી શકે છે. અમે માગ કરીએ છીએ કે રાહુલ ગાંધી સંસદમાં આવે અને દેશની જનતા અને ગૃહની માફી માગે.
સંસદની કાર્યવાહી કરવામાં આવી સ્થગિત
રાહુલ ગાંધીના ભાષણને લઈ વિવાદ વકરી રહ્યો છે. જ્યારથી તેમણે આવું નિવેદન આપ્યું છે ત્યારથી તેમના પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. તેમના ભાષણની અનેક નેતાઓએ ટીકા કરી છે. ત્યારે આજે સંસદમાં કાર્યવાહી દરમિયાન આ મુદ્દો ઉઠતા ભારે હંગામો થયો હતો. બંને સંસદની કાર્યવાહી પહેલા બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ તે બાદ સંસદને આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.