ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક તો અનેક વખત ચર્ચામાં આવતા રહે છે. પોતાના નિર્ણયોને કારણે તે હંમેશા હેડલાઈન્સમાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને લઈ ચર્ચા થઈ રહી છે. ભારત સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિકર અકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આપી હતી. સાથે એવો પણ દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. આ દાવાનો જવાબ કેન્દ્રીયમંત્રીએ આપ્યો છે અને કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે.
ભારત સરકારે ટ્વિટરને બંધ કરવાની આપી હતી ધમકી!
ઘણા વર્ષો પહેલા ભારતમાં ખેડૂત આંદોલન થયું હતું. ભારત સરકારના નિર્ણયનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ વાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે. યુટ્યુબ ચેનલના ઈન્ટરવ્યું દરમિયાન તેમણે ભારત સરકારનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો કે ભારત સરકારે ખેડૂત આંદોલન વખતે ટ્વિટરને બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે 'સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે, આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.
કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ!
આ દાવાનો જવાબ કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે. જવાબ આપતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે, ટ્વિટર અને તેની ટીમ ડોર્સીના કાર્યકાળ દરમિયાન સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી. 2020થી 2022 સુધી અનેક વખત નિયમો તોડવામાં આવ્યા છે.